Feeds:
Posts
Comments

Posts Tagged ‘નાગર’

અમે ઑદાઓ આવા …. ભાગ – ૧

હા અમે ઑદાઓ, એટલે કે ઔદિચ્ય બ્રાહ્મણો.

%e0%aa%94%e0%aa%a6%e0%aa%bf%e0%aa%9a%e0%ab%8d%e0%aa%af

આમ તો અમે દરેક જાતના બ્રાહ્મણો વિષે કટુ અભિપ્રાયો ધરાવતા સુવાક્યો પ્રચલિત કરીએ. પણ આ “ઑદા”  શબ્દ અમે બનાવ્યો નથી.

તમારે જાણવું છે કે આ “ઑદા” શબ્દ કોણે બનાવ્યો?

આ “ઑદા” શબ્દ “અનૉદા” બ્રાહ્મણોએ બનાવ્યો. બ્રાહ્મણોમાં અમે નાગરોને પણ લઈએ ભલે તેઓ પોતાને “બ્રાહ્મણ” ન ગણે.

“અનૉદા” બ્રાહ્મણ એટલે શું?

અનૉદા એટલે કે જે બ્રાહ્મણો, ઑદા બ્રાહ્મણો નથી તે. આ અનૉદા બ્રાહ્મણોએ “ઑદા” શબ્દ બનાવ્યો.

ઑદા શબ્દ કેટલા વિસ્તારમાં  પ્રચલિત છે તે અમે જાણતા નથી પણ તે ઓછામાં ઓછો લુણાવાડામાં તો પ્રચલિત છે. કદાચ નવી પેઢીને ખબર ન પણ હોય.

લુણાવાડા શું છે?

લુણાવાડા અમારું પૈતૃક ગામ છે. લુણાવાડા એક દેશી રાજ્ય હતું. આ રાજ્યમાં લુણાવાડા, તેની રાજધાની હતી. લુણાવાડાના રાજા, મહારાજા કહેવાતા હતા. લુણાવાડામાં બીજા ,બ્રાહ્મણો કેવી રીતે આવ્યા તે તમે તે બ્રાહ્મણોને પૂછજો, જો તમને રસ હોય તો.

અમે તો તમને અમે કેવીરીતે કહીશું આવ્યા તે કહીશું. અમે ૧૬૪૬માં લુણાવાડામાં વીરસિંહ રાજા હતા ત્યારે આવ્યા.

લુણાવાડામાં ઑદાઓ કેટલા?

લુણાવાડામાં  ઔદિચ્ય બ્રાહ્મણોના પાંચસો ઘર. તેમાં ૮૦ ઘર દવેના. બાકી રહ્યા તે ૪૨૦.

જો કે આ ૪૨૦ શબ્દ આકસ્મિક રીતે જ છે. આ ચારસોવીસોમાં કોઈએ ગેરસમજણ ન કરવી.

બાકીના જે ૪૨૦ ઘર રહ્યા તેમાં   રાવલ, જાની, તરવાડી (ત્રીવેદી), પંડ્યા, જોષી, અને કાકા આવે. કાકાઓના ઇતિહાસ પ્રમાણે તેઓ લુણાવાડાના રાજગોર હતા.

દવેમાં બે ત્રણ જાત આવે. અમદાવાદીયા, ટીલીયા અને સિદ્ધપુરીયા. ટીલીયા એટલે સ્વામીનારાયણીયા. અમે સિદ્ધપુરીયા દવે.

અમદાવાદીઓ કેવીરીતે આવ્યા તે ખબર નથી.

રાવલોમાં પણ અમદાવાદીયા, બજાણીયા અને સહી રાવલ.

સહીરાવલો આમ તો અમદાવાદી.

જાની, તરવાડી બ્રાહ્મણોમાં મોટાભાગના આસપાસના ગામડામાં રહે.

સહીરાવલ તેટલે શું?

અમારે ઔદિચ્યોમાં વાંકડાનો રિવાજ નહીં. બીજા નિયમો પણ ચૂસ્ત.

જે અમદાવાદી દવે આવ્યા તે કદાચ કન્યાઓની તંગી પડવાથી બોલાવવામાં આવ્યા હતા.

પણ જે અમદાવાદી રાવલો આવ્યા તેમણે આવીને ભાવ ખાધો. તેમણે કહ્યું કે અમે તો દહેજ (વાંકડો) લઈશું.

લુણાવાડાના ઔદિચ્ય બ્રાહ્મણોમાં નિયમો ચૂસ્ત. વાંકડાનો રીવાજ નહીં. એટલે તેમણે ના પાડી. તેમને કહ્યું કે રહેવું હોય તો રહો. વાંકડો બાંકડો નહીં મળે.

એટલે તેમણે સમાધાનની એક ફોર્મ્યુલા રજુ કરી કે તમે વાંકડો ન આપશો. તમે એક ચીઠ્ઠી આપજો અને એ ચીઠીમાં લખજો કે “અમે તમને દહેજના આટલા પૈસા અપ્યા છે, અને નીચે સહી કરજો. લુણાવાડાના ઑદાઓએ કહ્યું કે અમે એવી કોઈ ચીઠી બીઠી પણ ન આપીએ.

અમદાવાદી રાવલોએ કહ્યું કે ઓકે, તમે દહેજ શબ્દ ન લખશો. પણ આટલા પૈસા આપ્યા છે એટલો જ ઉલ્લેખ ચીઠ્ઠીમાં લખશો.

એટલે અમદાવાદના ઓદાઓએ કહ્યું કે અમે પૈસા આપતા નથી તો ચીઠ્ઠી શેના લખીએ?

એટલે અમદાવાદી રાવલોએ કહ્યું; ઓકે ચીઠ્ઠી અમે લખીશું તમે ફક્ત નીચે સહી કરજો.

અમદાવાદી રાવલોએ વધુમાં કહ્યું કે અમે તે ચીઠ્ઠીને જાહેર નહીં કરીએ અને નહીં વાપરીએ. લુણાવાડાના “ઑદા પંચે કહ્યું” કે એ તમે પરસ્પર નક્કી કરજો.

આમાં પણ ઘણી વાર ઝગડા થતા. જ્યારે દવે, રાવલ, કાકા, તરવાડીની કન્યા સહી રાવલને પરણે ત્યારે કેટલાક સહી રાવલો લગ્નને આગલે દિવસે જ, આ મુદ્દો ઉભો કરે અને સહી માગે. કેટલાક સહી કરી આપે. કેટલાક કહે કે અમે સહી તો કરી આપીએ પણ એવો આગ્રહ રાખે કે એ ચીઠ્ઠી અમારા દેખતાં જ ફાડી નાખવાની. કેટલાક સહી કરવામાં જ નામક્કર જાય. અને કહે કે અમારી છોકરી કંઈ વધારાની નથી. તમે થાય તે કરી લો.

ટૂંકમાં આવી સહી માગનારા અમદાવાદી રાવલો “સહી રાવલ” ગણાયા.

બીજા હતા બજાણીયા રાવલ.

બધા બ્રાહ્મણો વેદજ્ઞાતા હોય નહીં કે બધા બ્રાહ્મણોને યજ્ઞના શ્લોકો આવડતા હોય નહીં. એટલે જ્યારે લુણાવાડાના મહારાજાએ કે ગાયકવાડે યજ્ઞ કર્યો ત્યારે તેમણે થાળીઓ વગાડી હતી તેથી આ રાવલો ને બાકીના ઑદાઓ બજાણીયા રાવલ કહેતા.

એક વખત રાજાએ યજ્ઞ કર્યો અને બોકડાનો હવન કરવાનું નક્કી કર્યું પણ બ્રાહ્મણો તૈયાર ન થયા. પણ જે બ્રાહ્મણો તૈયાર થયા તે રાવલ હતા. તેમને “બોક્કડીયા રાવલ” કહેવાયા. જો કે તે પછી તેમણે પ્રાયશ્ચિત કર્યું પણ તેમનું આ “બોક્કડીયા રાવલ” નામ ચાલુ રહ્યું.

 લુણાવાડા રાજ્યમાં, “ઑદા” કોમ્યુનીટીમાં, સગપણ જોડવા માટેના અને પ્રસંગો ઉજવવા માટેના નિયમો હતા.

સગપણની કેટેગરીઓ.

સ્પેશીયલ લેવલમાં ભાઈ બહેનો આવે. તેઓ “પ્રસંગે” તમારા ઘરે જ ઉતરે. તેઓ ચાંલ્લો વધુમાં વધુ પાંચ રુપીયા જ કરી શકે.

પહેલા લેવલમાં નજીકના સગાઓ આવે એટલે કે કાકા, મામા,ફોઈ, તેમના સંતાનો, તેમના વેવાઈઓ, અને નજીક રહેતા બે ત્રણ પાડોશીઓ (ડાબી, જમણી અને સામે રહેતા પાડોશી) આવે. આ સહુને સુપ્ટમ નોતરાં મળે. સુપ્ટમ નોતરાં એટલે આખું કુટૂંબ. તેમને ઘરે જો મહેમાન હોય તે મહેમાનો સહિતના સૌનો આવા  આમંત્રણમાં સમાવેશ થાય.

બીજા લેવલમાં દૂરના સગાંને બે નોંતરા જેમાં તમે વર વહુ અને બાબલાંઓને લાવી શકો. આમાં મિત્રો પણ આવી જાય.

જેમને સુપ્ટમ નોતરાંનું આમંત્રણ હોય તેમણે છેલ્લા ચારપાંચ દિવસ રોજ સવારે હાજરી પૂરાવવાની. હાજરી પુરાવવાની એટલે કે રોજ સવારે દાળ-ભાત અને કંસાર જમવા આવવાનું.

લગ્નને આગળના દિવસોમાં મદદ કરવા જવાનું. બહેનો અનાજ લઈ જાય અને લોટ દળીને આપે. જો કે આબધું જુના જમાનામાં બધી કોમ્યુનીટીમાં હશે એટલે તેની વાતો નહીં કરીએ પણ જમાઈઓએ અને તેના ભાઈઓએ ઘરને ધોળી આપવાનું કામ કરવાનું એ રિવાજ હતો.

જો નાત હોય તો તેના નોતરાં ઘરે ઘરે જઈને નહીં આપવાનાં પણ ગલીમાં રાડ પડતા પાડતા જવાનું કે ફલાણા ઘરે નાત છે. લગ્ન પ્રસંગને આગલે દિવસે “ફલાણા ઘરનું ગાવાનું કહી જાઉં છું” એ આમંત્રણ કન્યાઓનું જુથ અનરીધમેટિક અને આઉટ ઓફ ફેઝ માં ઘરના ડેલે આવીને કહી જાય.

જમણના નિયમોઃ

“હાજરીના નિયમો” દાળભાત અને કંસાર જ કરવાના. કંસારમાં અડધું તેલ અને અડધું ઘી નાખવાની છૂટ.

વરને ઘરેઃ

વરને ઘરે આગલે દિવસે સાંજે જમણ હોય. તેમાં એક શાક, લાડુ (અથવા કંસાર), દાળ ભાત, તળેલા કોચલા એટલું જ બનાવવાનું.

કન્યાના ઘરેઃ

કન્યાના ઘરેના જમણ માં લાડુ (કંસાર ઘી), દાળભાત, શાક, તળેલા કોચલા એટલું જ રખાય. લાડુ ઘઉંના લોટનો ગોળનો કે ખાંડનો હોય. બીજો કોઈ લાડુ ન ચાલે. સીઝન હોય તો કેરી નો રસ પણ હોય. તે માટે અગાઉથી વ્યક્તિદીઠ છ કેરીઓ આપવામાં આવતી હતી અને રસ ઘરેથી કાઢીને લઈ જવાનો રહેતો હતો. જો કે ત્રણથી ચાર પડિયા રસ નિકળતો.

જો કોઈ વધુ વાનગીઓ કરે તો તેની આકરી ટીકા થતી.

સો વરસ પહેલાં, શરુઆતમાં કહેવાય છે કે શાક ઘરેથી બનાવીને લઈ જવાનું હતું.

પતરાળાં પડીયા, પાટલો અને પાણી, લેવલ વન અને તેથી નીચેની સગાઈવાળાઓએ ઘરેથી લઈ જવાના રહેતા હતા.

ભાઈઓએ (પુરુષોએ) રેશમી અબોટીયું (પીતાંબર) ફરજીયાત પહેરવાનું રહેતું હતું. બહેનો ની પંગત અલગ રહેતી. બંનેના પીરસણીયાઓ પણ અલગ અલગ રહેતા. અ-બ્રાહ્મણોની પંગત અલગ રહેતી.

શેરી બરાબર સાફ કરાતી અને તેની ઉપર રેતી  અને પાણીનો છંટકાવ કરવાનો આવતો.

ચાંલ્લોઃ

પિતા તરફથી, કન્યાને રુ. ૫૦૦ આપવામાં આવતા અથવા તો જે પ્રમાણે શક્તિ હોય તે પ્રમાણે આપવામાં આવતા. કપડાં ત્રણ, પાંચ, સાત, જોડી એમ આપવામાં આવતા.

સ્પેસીયલ લેવલના સગાંઓ વધુમાં વધુ રુ. ૫ નો ચાંલ્લો કરતા. પહેલા લેવલના રુ. ૧/- નો ચાંલ્લો, બીજા લેવલના આઠ આનાનો અને ત્રીજા લેવલના ચાર આનાનો ચંલ્લો કરી શકતા. જો કોઈ વધુ રકમનો ચાંલ્લો કરે તો તેની બડાઇની ટીકા થતી.

આ લોકોમાં મોટા ભાગના ભેણેલા હતા. પંચમહાલમાં મોટાભાગના ગામમાં શિક્ષક અને શિક્ષિકાઓના પદો બ્રાહ્મણો અને ખાસ કરીને “ઔદિચ્ય બ્રાહ્મણો” શોભાવતા હતા. બ્રાહ્મણોને શિવમહિમ્ન સ્ત્રોત્ર આવડતું.  લુણાવાડામાં ગલીએ ગલીએ ઓછામાં ઓછું એક  શિવાલય છે. સૌથી મોટું શિવાલય ગામના કોટની બહાર “લુણેશ્વર મહાદેવ” છે.  લુણેશ્વર મહાદેવ સ્વયંભૂ છે. એ અમારા આખા લુણાવાડાના ગામ દેવતા. 

આપણે એ જોઇએ કે આ “ઑદાઓ” બીજા બ્રાહ્મણો માટે અંદર અંદર શી વાતો કરતા.

મેવાડા બ્રાહ્મણઃ મેવાડા છેવાડા. એટલે કે મેવાડા બ્રાહ્મણોને છેવાડે રાખો. એટલે કે મેવાડા બ્રાહ્મણોને તમે દૂર રાખો.

મોઢ બ્રાહ્મણઃ ભલે તમારે કપાળે હજો કોઢ પણ પાડોશી ન હજો મોઢ.

નાગર બ્રાહ્મણઃ “નાગડા”. નાગરણ બહાર નીકળેતો રાણી, પણ ઘરમાં નાગરણ,  વાઘરણ.

મહારાજાની દૃષ્ટિએ લુણાવાડા ના ઔદિચ્ય બ્રાહ્મણો શાણા ગણાતા.

rudra-mahalaya

કારણ કે ઔદિચ્ય બ્રાહ્મણોની નાત (પ્રસંગે જમવા બેસે તેને પણ નાત કહેવાય )માં કોઈ દિવસ ઝગડા ન થાય. રાત્રે આઠ વાગે જમવાનું ચાલુ થાય તો રાત્રે અગીયાર વાગ્યા સુધીમાં ચારે ગાલ (ઘાલ, પંગત, જમનારાઓનો જત્થો) જમી પરવારે.

એથી ઉલટું મેવાડા (શ્રીમાળી મેવાડામાં આવી જાય), મોઢ અને નાગરોમાં નાતની પહેલી ઘાલમાં જ કંઈક ને કંઈક બહાના હેઠળ ઝગડો કે અને ઝગડાઓ ચાલુ થાય. ક્યારેક તો પહેલું જમણ જ રાત્રે સાડા ત્રણે શરુ થાય. નાગરોમાં ખાસ કરીને ઘી પીરસવાની બાબતમાં “કોણ ઘી પીરસશે?” એ બાબતને લઈને ઝગડો હાલુ થાય. ક્યારેક તો સવાર સુધી ઝગડો ચાલે.

આથી મહારાજાએ નાગરોને આદેશ આપ્યો કે નાગરીનાતે કદીય કંસાર-ઘીની  નાત (જમણ) ન કરવી. જો કરવી જ પડે તેમ હોય તો તેમણે પંચ તરીકે એક ઔદિચ્ય બ્રાહ્મણને રાખવો અને તે જે નિર્ણય કરે તેને માન્ય રાખવો.

આમ લુણાવાડામાં ઔદિચ્ય બ્રાહ્મણોનો દબદબો. એટલે બીજા બ્રાહ્મણો બીજું કંઈ નહીં તો ઔદિચ્ય બ્રાહ્મણો વિષે “ઑદા, ઑદા … “ એમ અંદર અંદર કહ્યા કરે.

જો કે “લુણાવાડા” ગુજરાતનું “છોટે કાશી” ગણાતું હતુ. અહીં સંસ્કૃત પાઠશાળા, ચારે વેદોના જાણકાર પંડિતો, શાસ્ત્રીઓ, યાજ્ઞિકો અને સંસ્કૃત ભાષાના પ્રકાંડ પંડિતો હતા. મેકસ મુલરે લુણાવાડાની મુલાકત લીધેલી. તે મારા દાદા મહાશંકર હરિશંકર દવે ને પણ મળેલ. મારા પિતાશ્રીએ (મોહનલાલ મહાશંકર દવે) ભારતીય સંવિધાનનો સંસ્કૃત ભાષામાં અનુવાદ કરેલ. તે પહેલાં તેમણે પ્રથમ ખંડનું સંસ્કૃત પદ્યમાં ભાષાંતર કરેલ. ભારત સરકારે ચંદ્રક આપેલ. તત્કાલિન ભારતના રાષ્ટ્ર પ્રમુખ ડૉ. રાધાકૃષ્ણએ લેખિત પ્રશંસા કરેલ. આ બધાં  ઉપરાંત ગુજરાતી ભાષાના પ્રથમ મહિલા નવલકથાકાર મારા માતુશ્રીના દાદી (કૃષ્ણાગૌરી હિરાલાલ રાવલ) હતાં. લુણાવાડાના ઔદિચ્ય બ્રાહ્મણો સ્વદેશીની ચળવળમાં આગળ પડતા હતા.

ઔદિચ્ય બ્રાહ્મણો પોતાને અતિઉચ્ચ માને છે. એટલે કે નાગરો કરતાં પણ પોતાને વધુ ઉચ્ચ માને. “નાગર” એટલે વિસનગર અને વડનગરના બ્રાહ્મણો. વડનગરના બ્રાહ્મણો જુનાગઢના નવાબની નોકરી કરતા. જુનાગઢનું રાજ સૌરાષ્ટ્રમાં સૌથી મોટું ગણાતું. બીજા સૌ રાજાઓ જુનાગઢના રાજાને ખંડણી આપતા. એટલે વડનગરના નાગરો પોતાને ઉંચા ગણે. વિસનગરના બ્રાહ્મણો કહે કે અમે પણ નગરના (વિસનગરના) હતા એટલે અમે પણ નાગર જ કહેવાઈએ. એટલે અમે પણ મોટા.

આની સામે ઔદિચ્યો એમ કહે કે “અમે સૌથી મોટા એ તો ઐતિહાસિક દસ્તાવેજના આધારે સિદ્ધ છે. કારણ કે જો તમે મોટા હોત તો મૂળરાજને યજ્ઞમાટે અમને આમંત્રણ આપી બોલાવવાની જરુરત જ ન પડત. અમે કૈં રોટલા માટે અહીં આવ્યા ન હતા. અમને તો અહીં આમંત્રણ આપી બોલાવ્યા હતા અને યજ્ઞ થઈ ગયા પછી અમે તો પાછા જવાના હતા પણ રાજાએ પ્રાર્થના કરી અમને રોક્યા હતા અને વસાવ્યા હતા.

હાજી. મૂળરાજ સોલંકીએ અગીયારમી સદીમાં, માતુલ (મામા) ની હત્યા કરી રાજગાદી મેળવી હતી. એટલે પ્રાયશ્ચિત માટે યજ્ઞ કરવાની તેને સલાહ આપવામાં આવી હતી. મૂળરાજ સોલંકી અને તેના વડાપ્રધાન બંને કાશી ગયેલ અને ગણપતિને પ્રસન્ન કરેલ. ગણપતિ પ્રસન્ન થઈને પ્રગટ થયેલ. મૂળરાજે યજ્ઞ માટે શ્રેષ્ઠ બ્રાહ્મણોની માગણી કરી. ગણપતિએ તેને સૌ પ્રથમ ૨૧ બ્રાહ્મણોનું લીસ્ટ આપ્યું. તેમાં વરિષ્ઠતાના ક્રમમાં, પ્રથમ પિતા અને બીજો તેમનો પૂત્ર એમ હતા. તે દ્વિવેદી (દવે) હતા. તે અમારા પૂર્વજ હતા. જો કે ગણપતિએ એમ પણ કહ્યું કે બ્રાહ્મણોમાં ભેદ ન કરવો. બ્રાહ્મણો ને તેમની વિદ્વતાના આધારે સમયાંતરે ઉચ્ચ અને કનિષ્ઠ ગણી શકાય.

યજ્ઞના માટે ૨૧ બ્રાહ્મણો પૂરતા ન હતા. કુલ હજાર બ્રાહ્મણો નું લીસ્ટ ગણપતિએ મૂળરાજને આપ્યું. આ બધા ઔદિચ્ય સહસ્ર કહેવયા.  બીજા “લૉટ”માં ૧૧૦૦ આવ્યા. તે બધા અગીયારસેં કહેવાયા. તે પછી છૂટક છૂટક આવ્યા તે બધા ફુટકળીયા (ટોળકીયા) કહેવાયા.

પાશ્ચાત્ય ઇતિહાસકારોએ એવો પ્રચાર કર્યો છે કે ભારતીયો ઇતિહાસ લખવામાં માનતા જ નહીં. પણ આ વાત તદન ખોટી છે. જે બ્રાહ્મણો ઉપર અંગ્રેજોના સંસ્કારની રજ માત્ર પણ અસર ન હતી તેઓમાં પોતાનું ગોત્ર, પ્રવર, વેદ, શાખા, કુળદેવી, શિવ, ગણપતિ અને ભૈરવ અને કમસે કમ બાર પેઢીને યાદ રાખવાની પ્રણાલી હતી.

પાશ્ચાત્ય ઇતિહાસ કરો એમ કહે છે કે ભારતીય સંસ્કૃતિમાં લખવાની પ્રથા મોડી ચાલુ થઈ. આ પણ અસત્ય છે. જેઓ જે કંઈ પણ ભણતા તે બધું તેઓ લેખિત રાખતા. ચાર વેદો, વેદાંગ, ૧૦૦ ઉપર ઉપનિષદો, દર્શન શાસ્ત્રો, સાંખ્ય, તત્ત્વજ્ઞાન, અઢાર પુરાણો, ૧૮ ઉપપુરાણો,  વ્યાકરણ, (બીજા સાહિત્યની તો વાત જ જવા દો) આ બધું મોંઢે રાખવું શક્ય નથી. જે પ્રકારે પાણીનીનું વ્યાકરણ સુગ્રથિત છે તેવું વ્યાકરણ અક્ષર લિપિ હોય તો જ શક્ય બને.

મારા મહાશંકર દાદાએ પોતે જે લખ્યું તે બધું ઉપલબ્ધ હતું.

(ક્રમશઃ)

શિરીષ મોહનલાલ દવે.

ચમત્કૃતિઃ

સૌ મોટા વહાણમાં ગોઠવાઈ ગયા. એક ઑદો દોડતો દોડતો આવ્યો. વહાણના કેપ્ટને તેને જ્ઞાતિ પૂછી એટલે ઑદાએ પોતાની જ્ઞાતિ કહી. કેપ્ટને કહ્યું તમને ન લઈ શકાય. કારણ કે અમને એવી સૂચના છે કે  ઊંટ, વાંદરા, કુતરાં ગાય ભેંસ એમ બધાને વહાણમાં લઈ શકાય. પણ ઑદાને કદીય ન લેવો. કારણ કે તે સખણો બેસે નહીં. ઑદાઓ અળવિતરા હોય છે.

એટલે “ઑદા”ભાઈએ કહ્યું તમે એમ કરો મારા પગ બાંધી રાખો એટલે હું કોઈ અળવિતરાપણું નહીં કરી શકું. હવે તો તમને વાંધો નહીં હોય. કેપ્ટન માની ગયો. “ઑદાભાઈ”ના પગ બાંધી દીધા. વહાણ ચાલવા માંડ્યું.

“ઑદા”ભાઈની સામે પાંજરામાં એક વાંદરો હતો. અને તેના પાંજરા બહાર એક ઊંટ બેઠું હતું. “ઑદા”ભાઈએ જ્યારે તેમની અને વાંદરાભાઈની નજરો મળી ત્યારે તેમણે બાજુના સાવરણામાંથી એક સળી કાઠી અને પોતાના કાનમાં નાખી. ફરીથી એમ કર્યા કર્યં. અને સાવરણો વાંદરા પાસે ફેંક્યો અને સળી વડે ઉંટના કાનમાં નાખવાનો ઈશારો કર્યો. વાંદરાએ ઉંટના કાનમાં સળી નાખી. એટલે ઊંટ ચમક્યું અને કૂદાકૂદ કરવા માડ્યું. એટલે વહાણ હાલક ડોલક થવા માંડ્યું. પાંજરુ ખૂલી ગયું એટલે વાંદરા ભાઈ ઊંટ ઉપર બેસી ગયા. એટલે ઉંટે ખૂબ દોડા દોડી કરી અને વહાણ ડૂબી ગયું.

ત્યારથી એમ પ્રચલિત થયું કે વાંદરાને અને ઊંટને વહાણમાં લેવા પણ “ઑદાને” વહાણમાં ન લેવો.

ટેગ્ઝઃ

ઔદિચ્ય બ્રાહ્મણ, મોઢ, મેવાડા, નાગર, ઑદા, અનૉદા, લુણાવાડા, મહારાજા, મૂળરાજ સોલંકી, જુનાગઢ, વડનગર, વિસનગર, વીરસિંહ, ૧૯૪૬, રાવલ, બજાણીયા, સહીરાવલ, અમદાવાદી, સિદ્ધપુરીયા, બોક્કડીયા, દહેજ, વાંકડો, નાત, જમણ, ઘાલ, પંગત, પીતાંબર, કન્યા, કંસાર-ઘીની નાત, યજ્ઞ, વેદ,  ચાંલ્લો, શિવમહિમ્ન, શિવાલય, છોટે કાશી, સ્વદેશીની ચળવળ, મેક્સ મુલર, મહાશંકર,

Read Full Post »