Feeds:
Posts
Comments

Posts Tagged ‘મનોવૃત્તિ’

“હું તમારાથી વધારે પવિત્ર છું” ની ગતિ

ઈશુ ખ્રીસ્તે બાયબલમાં કહ્યું કે તારો જમણો હાથ જે (સારું) કામ કરે તેની જમણા હાથને ખબર ન પડવી જોઇએ. આવું ક્યારે બને? જો તમારા જમણા હાથે કરેલું કામ મગજ દ્વારા મન સુધી ન પહોંચે તો. કારણ કે જો મન સુધી પહોંચે તો તે મનોવૃત્તિ ઉપર અસર કરે જ છે. અને જે મનોવૃત્તિ ઉત્પન્ન થઈ તે પણ સ્મૃતિમાં જમા થઈ, એટલે જ્યારે બીજી કોઈ જગ્યાએ વર્તન કરવાનું આવે ત્યારે આ વૃત્તિ મગજ ઉપર નિર્ણય લેવામાં અસર કરે.

કૃષ્ણ ભગવાને આ વાત ગીતામાં સારી રીતે સમજાવી છે. કે તમે જે કર્મ કરો તે અલિપ્ત ભાવે કરો. જો તમે સારા કામો કરો તો તેને અલિપ્ત ભાવે કરો. અને ખરાબ કામો (સમાજના હિત માટે ક્યારેક ક્યારેક વ્યક્તિઓને દંડિત કરવા પડે છે) પણ અલિપ્ત ભાવે કરો. જો કાર્યો અલિપ્ત ભાવે કરવામાં આવે તો તેના સારા અને ખરાબ કર્મો તમારી વૃત્તિઓ ઉપર અસર કરતા નથી.  

આ બાબતનું સચોટ ઉદાહરણ કયું?

જે વેપારી ભાઈઓ છે તેઓ આનું ઉદાહરણ છે. વેપારી ભાઈઓમાં ફક્ત વંશપરંપરાગત રીતે વેપાર કરે છે તેઓ જ આવે એમ નથી. પણ જેઓ સંપત્તિ વધારવાની અને તે વધેલી સંપત્તિ દ્વારા અંગત સુખ સગવડો બીન જરુરી રીતે વધારવાની એક માત્ર વૃત્તિ સાથે કાર્ય કરે છે તે બધા આમાં આવી જાય છે.

જૂના જમાનામાં વેપારીઓ હતા, પણ તેમનામાં આ વૃત્તિ બેફામ ન હતી. અને તેમના ઉપર જે તે જ્ઞાતિના મહાજનોનો થોડો ઘણો અંકૂશ હતો. સમાજરચના પણ એવી હતી કે સ્વાવલંબી એકમોના કદ નાના હતા. અત્યારે આપણે સ્વાવલંબી એકમ તરીકે પૃથ્વીને માનીએ છીએ. તેથી ઉત્પાદકો વેપારીઓ અને વપરાશ કર્તાઓ વચ્ચે સંવાદ જટીલ થયો અને ભાવનાનો લગભગ નાશ થયો. આના મૂળમાં વ્યક્તિ અને સમાન હિત ધરાવતી વ્યક્તિઓની સ્વકેન્દ્રીય વૃત્તિઓ છે.

અમારા મહુવામાં એક શેઠ ઠીક ઠીક પૈસાપાત્ર હતા અને અમુક બાબતોમાં અમુક રીતે પરગજુ હતા. જ્યારે કોઈ પણ મહાનુભાવ મહુવામાં આવે તો તેઓ આગળ પડતા રહેતા. આ શેઠ, તે મહેમાનોની આગતા સ્વાગતામાં જે કંઈપણ ખર્ચ થતો તેનો મોટો ભાગ વહોરવા તૈયાર રહેતા. તેઓ કહેતા પણ ખરા કે આપણે એવું કંઈ નથી કે વૈષ્ણવ સંત આવે તો જ આગતા સ્વાગતા કરવામાં આગળ રહીયે. અમે તો શંકરાચાર્ય આવે તો તેમાં પણ ખર્ચામાં પાછા ન પડીએ. બસ આપણું નામ રહેવું જોઇએ. એટલે કે જે કાર્ય થાય તેની પાછળ નામ જાહેર થવું જોઇએ.

આનો અર્થ એ થયો કે સારા કર્મો પાછળ કીર્તિ મેળવવાની વૃત્તિ હોય છે. તેથી સારું કામ કર્યું તો પણ મન સુધરતું નથી અને બીજા કામોમાં બીજાને નુકશાન થાય તેવી પ્રવૃત્તિઓ કરીએ છીએ. આવું હોય એટલે વ્યક્તિ પોતાના કામમાં અનીતિ આચરશે.

કર્મની લિપ્તતાનું બીજું સ્વરુપ

કર્મની લિપ્તતાનું બીજું એક ઉદાહરણ છે. સારું કામ કરો અને બીજાને કહેતા રહો કે મેં આ કર્યું અને મેં તે કર્યું. અલબત્ત તમે સારું કામ કર્યું પણ તેથી જો તમારું મોઢું ફુલી જાય તો સારા કામ નું ફળ ન મળે.  કારણ કે ઘણીવાર એવું પણ બને કે જ્યારે તમને અન્યાય થયો હોય તેવું લાગે. આવે સમયે તમારી કાર્ય કુશળતા ઉપર અસર થાય છે. અને તમે થોડા ઘણા નિસ્ક્રીય થઈ જાઓ છો. નિસ્ક્રીય થવાથી તમે જે કીર્તિ મેળવી હોય તે ઝાંખી પડીને નષ્ટ થાય. તમારી આસપાસ તમારી સાથે કામ કરતી વ્યક્તિઓ બદલાતી રહે છે. નવી વ્યક્તિઓ તો તમારું વર્તમાન કામ જ જુએ છે. તમારી સાથે કામ કરતી જે વ્યક્તિઓ બદલાઈ તે પણ તમારી વર્તમાન કાર્યશીલતાને જોશે અને તમારી જુની કાર્યશીલતાને  ભૂલી જશે. ટૂંકમાં સારું કાર્ય કર્યાનું અભિમાન તમારે માટે ખરાબ પરિણામો લાવશે.

શું પોતાના કરેલા સારા કર્મો કહેવા જ નહીં?

હાજી. તમારે તમારા સારા કર્મો કહેવા જ નહીં. તમારા સારા કર્મો બીજા લોકો કહેશે. ધારો કે બીજા લોકો કહી શકે તેવી સ્થિતિમાં ન હોય તો? તેવી સ્થિતિમાં જો તમને વાંકમાં લેવામાં આવે તો જે વ્યક્તિ/વ્યક્તિઓ તમને વાંકમાં લે છે તેની ગેરસમજણ દૂર કરવા તમે તેને અલિપ્ત ભાવે કહો, જેથી સામેની વ્યક્તિઓને સુધરવાની તક મળે

શું બીજી વ્યક્તિને સુધારવી એ આપણું કર્તવ્ય છે?

બીજી વ્યક્તિને સુધારવાનું આપણું કર્તવ્ય નથી. પણ આપણો બચાવ કરવો અને તે પણ માહિતિ અને દલીલ સાથે બચાવ કરવો એ સમાજના હિત માટે જરુરી છે. તેવીજ રીતે સામેની વ્યક્તિના દોષોને જરુર પડે ત્યારે માહિતિ અને દલીલ સાથે જણાવવા જોઇએ.

રાજકારણમાં શું થાય છે?

જો કે આ સવાલની પાછળના હેતુઓ વિવાદાસ્પદ હોઈ શકે. પણ તેના વિવાદાસ્પદપણાને લીધે અવગણી ન શકાય. રાજકારણીઓનો વ્યક્તિગત રીતે રાજકારણમાં રહેવાનો ગમે તે હેતુ હોય પણ રાજકારણ બધે જ હોય છે. ફક્ત જનપ્રતિનિધિઓના કર્તવ્યને રાજકારણ ગણવું તે બરાબર નથી. વ્યાપક ચર્ચાને વધુ લાયક કોઈ વિષય હોય તો તે આ જનપ્રતિનિધિઓને લગતું રાજકારણ જ છે.

હાલના જનપ્રતિનિધિઓ બધાજ વિષયોમાં અગત્યનો ભાગ ભજવે છે. એટલે જનતાએ તો તેની ચર્ચામાં ભાગ ભજવવો જ જોઇએ. અને જરુરી ટીકાઓ કરવી જ જોઇએ. જનતા આવું કરે તો જ જે તે રાજકારણીઓ જેમને સુધરવાની ઈચ્છા છે તેઓ સુધરી શકે છે. રાજકારણીઓ પોતાનો પક્ષ બનાવીને જો કાર્ય કરતા હોય તો પક્ષને પણ વ્યક્તિ માનીને તેને સુધરવાની તકનો દીશા નિર્દેશ કરવો જોઇએ.

જનતામાં રહેલી ભિન્નતા

જનતા તો ભિન્ન ભિન્ન ક્ષેત્રોવાળી છે, ભિન્ન ભિન્ન હેતુઓ વાળી હોય છે, વિચારો પણ ભિન્ન ભિન્ન હોય છે અને અભિપ્રાયો પણ ભિન્ન ભિન્ન હોય છે, તો પ્રજામાં એક મતિ કેવીરીતે આવે અને સાચું કે ખોટું, યોગ્ય કે અયોગ્ય કેવી રીતે નક્કી કરી શકાય?

તર્ક શાસ્ત્ર એક જ છે. વિજ્ઞાનમાં પણ ઘણા ક્ષેત્રો છે. અને તેના હેતુઓ પણ જુદા જુદા છે. છતાં પણ વૈજ્ઞાનિકોનીવચ્ચે એવો સંઘર્ષ નથી કે વૈજ્ઞાનિકો હુલ્લડો કરવા ઉપર આવી જાય. કારણ કે તેમના તર્કના સિદ્ધાંતો એક સરખા છે. એટલે મૂળવાત તર્ક ઉપર છે. તર્ક પોતે, માહિતિઓ, પ્રયોગો અને તેના દ્વારા મળેલા પરિણામો ઉપર આધાર રાખે છે. અને તે પ્રમાણે તારણો કાઢવામાં આવે છે. આ તારણો દ્વારા વિદ્યાનો (ટેક્નોલોજી) અને જ્ઞાનનો વિકાસ થાય છે.

સમાજશાસ્ત્ર પણ એક શાસ્ત્ર અને તેનો વિકાસ તેજ રીતે જ થવો જોઇએ

જેઓ રાજકારણને અસ્પૃષ્ય માનતા નથી અને રાજકારણમાં હોદ્દાઓમાં ભાગબટાઈ કરતા નથી તેઓ જ સમાજશાસ્ત્રનો અને સમાજનો વિકાસ સાચી દિશામાં કરી શકે. આ લોકોને જ આપણે સમાજશાસ્ત્રી કહી શકીએ.

રાજકારણમાં હોદ્દાઓમાં ભાગબટાઈ કરનારા પણ સમાજશાસ્ત્રનો વિકાસ કરી શકે છે. પણ વાસ્તવમાં તેઓ પ્રયોગો કરનારા હોય છે. અને સમાજશાસ્ત્રમાં તેઓ એક ઉપકરણ પણ હોય છે. તેથી તેઓએ પોતે કરેલા પ્રયોગો ઉપર અને તારવેલા સિદ્ધાંતો ઉપર સ્વિકૃતિની મહોર તો સમાજશાસ્ત્રીઓએ જ મારવી જોઇએ.

જનતાની સ્થિતિ

સમાજ શાસ્ત્રનું એક પરિબળ સમાજની વ્યક્તિઓ પણ છે અને જે કંઈપણ નિર્ણયો લેવાય તે જનતા  ઉપર અસર કરે છે તેથી કોઈપણ વાત જનતાથી છાની રાખી શકાય નહીં. સમાજની વ્યક્તિઓ પણ માહિતિનો એક સ્રોત છે અને તેમના પ્રતિભાવો અને ભાવનાઓ  પણ એક જાતની માહિતિ છે.

આ પ્રમાણે જેઓ જનપ્રતિનિધિઓ છે તેમને જનતાએ કોરોચેક આપ્યો નથી કે ન તો કોરી ગીતા કે મનુસ્મૃતિ આપી. તેઓ ફાવે તેમ વર્તી ન શકે. આ જનપ્રતિનિધિઓને, સમાજશાસ્ત્રી કે સમાજસુધારક અન્ના હજારે જેવા પુછે તો આ પ્રતિનિધિઓ એમ ન કહી શકે કે “જનતાના પ્રતિનિધિઓ તો અમે છીએ. તમે કોણ છો અમને પૂછનારા?” વાસ્તવમાં જનપ્રતિનિધિઓ સમાજ શાસ્ત્રીઓ છે જ નહીં. તેઓ તો પ્રયોગો કરનારાઓ ઉપર નજર નાખનારા ચોકીદાર છે. પ્રયોગ કરનારા તો સરકારી નોકરો છે. અને પ્રયોગોમાં સુધારા સૂચવનારા સમાજશાસ્ત્રીઓ છે. આ સમાજશાસ્ત્રીઓ જાહેરમાં ચર્ચાઓ કરશે અને પ્રજાની સ્થિતિનો ક્યાસ કાઢશે, તેની અનુભૂતિઓને લક્ષ્યમાં લેશે. પદ્ધતિમાં જરુરી ફેરફારોની એક બ્લ્યુપ્રીંટ બનાવશે. અને પ્રજા સામે “ખરડાના સ્વરુપમાં” રજુ કરશે. જે પક્ષ પોતાને સમાજશાસ્ત્રીઓનો સમૂહ માનતો હોય, તે પોતાને યોગ્ય લાગે તે સુઝાવને “કાયદાકીય સ્વરુપની ભાષામાં બદ્ધ”  પ્રસ્તાવ (ખરડાના) ના સ્વરુપમાં પ્રજા સમક્ષ (મતદાર મંડળો સમક્ષ) રજુ કરશે અને જાહેર મંચ ઉપર ચર્ચા કરશે.. આ બધું ત્યારે જ બને જ્યારે મતદાર મંડળો બને અને તે પણ ક્યારે કે જ્યારે આ મતદાર મંડળોને બંધારણીય દરજ્જો આપવામાં આવ્યો હોય તો.

સમાજસુધારો ફક્ત પ્રચાર નથી.

સમાજમાં સુધારાની વાત પ્રચારની નથી પણ ચર્ચાની છે. તેથી પ્રચાર વગરની ચર્ચા થવી જોઇએ.  આવી ચર્ચા એક મંચ પર થવી જોઇએ. આવા મંચ દરેક મતદાન મથકમાં હોવાં જોઇએ. અને તેનું સંચાલન અધિકૃત અધિકારી પાસે હોવું જોઇએ. જે દરેકને પોતાનો અભિપ્રાય મુકવાની છૂટ આપે. સમગ્ર કાર્યવાહીની સંપૂર્ણ નોંધ રાખે અને પછી સૂચિત ખરડા ઉપર મતદાન કરીને તેનો આલેખ ઉપરના સ્તર ઉપર મોકલી આપે. (આ વાત આપણે  “नरेन्द्र मोदी जब प्रधान मंत्री बन जाय, तब भारतीय जनता उनसे क्या अपेक्षा रखती है” ની લેખમાળામાં વિસ્તારથી કરી છે).

આવી જોગવાઈઓ બંધારણ દ્વારા ન થાય અને રાજકારણમાં વૈચારિક બળને બદલે પૈસાના અને પાશવિક બળો જો કામ કરતા હોય ત્યારે જો કોઈ એમ માને કે અમે તો પવિત્ર છીએ અને રાજકારણ તો અપવિત્ર છે તેથી તેનાથી અમે અલિપ્ત રહીશું તો તેઓ પોતાની ફરજ ચૂકે છે. હા એ જરુર મંજુર છે કે આ તમારો વિષય નથી અને તેથી જ તમે તેનાથી દૂર રહેવા માગો છો. પણ તો પછી તમે સમાજની સ્થિતિ વિષે બળાપો કરવાનો અધિકાર પણ ગુમાવો છો.

જેઓ સામાન્ય અથવા અસામાન્ય છે અને તેઓ ચર્ચા કરવા માગે છે અને અથવા સમાજશાસ્ત્રી પણ છે અને જનપ્રતિનિધિ પણ બનવા માગે છે તેમણે શું કરવું જોઇએ?

આવા લોકોની ચર્ચા હમેશા મુદ્દા અને માહિતિ સભર હોવી જોઇએ

જેમકે નહેરુવીઅન કોંગ્રેસી નેતાઓ ભારતીય જનતા પાર્ટીને કોમવાદી કહે છે. તેના સમર્થનમાં તેઓ તેનો આરએસએસ સાથેનો સંબંધ કહે છે. તો સવાલ એ થાય કે આર એસ એસ કેવી રીતે કોમવાદી છે? આરએસએસના કયા ઉચ્ચારણો અને કઈ માન્યતાઓ તેમને કઈ રીતે કોમવાદી ઠેરવે છે? ઉચ્ચારણો ઉપર ચર્ચા થવી જોઇએ. માન્યતાઓની ગુણવત્તા ઉપર ચર્ચા થવી જોઇએ.

નહેરુવીયન કોંગ્રેસી નેતાઓ ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપો થાય તો તેની વિગતો અને આધારો ઉપર ચર્ચા થવી જોઇએ. નહેરુવીયન કોંગ્રેસીઓ સામેથી બીજેપીને ભ્રષ્ટાચારી કહે તો તેથી કોંગ્રેસીઓના ભ્રષ્ટાચારનો બચાવ થઈ જતો નથી. જો કોંગ્રેસીઓ, બીજેપીના કોઈ એક ભૂતપૂર્વ નેતાના ભ્રષ્ટાચારને સો વખત બોલે એટલે તેના સો ભ્રષ્ટાચાર થઈ જતા નથી.

આમઆદમી પક્ષ

બીજેપી જો એમ કહે કે આમઆદમી પક્ષે કહેલ કે અમે કોઈ ભ્રષ્ટાચારી પક્ષને સમર્થન કરીશું નહીં અને તેમનું સમર્થન લઈશું નહીં. નહેરુવીયન કોંગ્રેસે તેને શરતો વગરનું સમર્થન કર્યું. તે ખોટું કર્યું તો બીજેપીની આ વાત બરાબર નથી. કારણ કે જે સમર્થન આપ્યું છે તે શરતો વગરનું છે. જો આમઆદમી પક્ષને સારા હેતુ માટે શેતાન મદદ કરતો હોય તો તે મદદ જરુરી હોય અને તે મદદના અભાવમાં સારું કામ થઈ શકતું ન હોય તો સમર્થન લેવું અને શેતાનના ખાતામાં પણ આ સારા કામને જમા કરવું. જોકે એ વાત જુદી છે કે આ શેતાને ભૂતકાળમાં દરેક વખતે દગો કર્યો છે. પણ આ શેતાનની સાથે શું વ્યુહ રચના રાખવી તે આમઆદમી પક્ષની હોંશીયારી ઉપર છોડી દેવું.

આમઆદમી પક્ષ પોતાના સિવાય બધા પક્ષોને ભ્રષ્ટ કહે તે વાત પણ બરાબર નથી. જ્યાં સુધી એફ આઈ આર ન નોંધાય, કોર્ટને પ્રાથમિક માહિતિ વિશ્વસનીય ન લાગે, કોર્ટ અરોપનામું ન પાઠવે અને સજા ન કરે ત્યાં સુધી ત્યાં સુધી આરોપીને કાયદેસર રીતે ભ્રષ્ટ ન જ કહેવાય. પણ તેની ઉપરના આરોપોની ગુણવત્તા ઉપર ચર્ચા કરી શકાય.

દિલ્લીની વિધાનસભામાં ચૂટાઈને આવેલા બધાજ પ્રતિનિધિઓને એટલા જ કારણસર ભ્રષ્ટ ન કહી શકાય કે તેમના પક્ષને આપણે ભ્રષ્ટ કહ્યો છે. આ બધા બંધારણીય રીતે ચૂંટાઈ આવ્યા છે અને તેઓ જનતાના પ્રતિનિધિઓ છે. તેઓ પક્ષના પ્રતિનિધિઓ નથી. આનું કારણ એ છે કે જનતાએ તેમના નામ સામે મત આપ્યા છે. પક્ષે તો તેમને પ્રસ્તૂત કર્યા છે. આ પ્રતિનિધિઓનું ઉત્તરદાયિત્વ જનતા સાથે છે. પક્ષ સાથે નથી.

જનતાના બંધારણીય હક્કોનું જનહિતમાં અર્થઘટન

જોકે સંસદે એક ખરડો પાસ કરીને જનપ્રતિનિધિઓને પક્ષને વફાદાર રહેવાનું સૂચવ્યું છે. આ વાત વ્યક્તિના બંધારણીય હક્કની વિરુદ્ધ જાય છે. સંસદ, કોર્ટ, પક્ષ કે જનતાનો અમુક વર્ગ આ વાત ન સમજે પણ આમઆદમી ના કેજરીવાલે આ વાત સમજવી જોઇએ. ભારતીય બંધારણ આ પ્રતિનિધિને “જનપ્રતિનિધિ” કહે છે. પણ પક્ષ કહે છે કે અમે તેને પ્રસ્તૂત કર્યો છે તેથી અમે તેને પદભ્રષ્ટ કરી શકીએ. આ વાત તો એવી થઈ કે તમે એક એજન્સીને કહ્યું કે તમે અમને ચોકીદાર આપો. તેણે આપ્યો. તમે મંજુર કર્યો. તમે તેને પગાર અને સવલતો આપવાનું પણ શરુ કર્યું. પણ તમને લાગ્યું કે આ ચોકીદાર વિશ્વસનીય નથી. આ એજન્સીના ઘણા જ ચોકીદારો અવિશ્વસનીય નિકળ્યા. છતાં પણ એજન્સી કહે છે કે ના અમે તેમને નિલંબિત નહીં કરીએ. વાસ્તવમાં ચોકીદારને નોકરીએ રાખ્યો તેની સાથે જ તેને નિલંબિત કરવાનો જનતાનો અધિકાર આવી જાય છે. પક્ષ કહે છે બંધારણમાં આવી કોઈ જોગવાઈ નથી તેથી તમે એવું કરી ન શકો. જો કે આ માનવીય હક્કની વાત છે. જે ચૂંટે છે, જે તેને પગાર આપે છે તેની પાસે તેને દૂર કરવાનો અધિકાર આપોઆપ આવી જાય છે. જોકે તેને માટે કોઈ પ્રક્રિયા બંધારણમાં નથી. કોઈ ન્યાયાધીશ એવો થયો નથી કે આવું અર્થઘટન કરી બાંધી મુદતમાં પ્રક્રિયા ઘડવાનો આદેશ આપે. પણ જો મતદારો અધિકૃત અધિકારી કે ન્યાયધીશ પાસે જઈને એફીડૅવીટ કરીને આપે કે અમને અમારા આ પ્રતિનિધિમાં વિશ્વાસ નથી અને જો આ ટકાવારી કુલ મતદારોના ૫૦ટકા થી સહેજ વધુ હોય તો ન્યાયાલય તેને બરતરફના હુકમ કરી જ શકે.

બેફામ આક્ષેપો

પણ હાલ આવું કરવામાં આવતું નથી. આ પરિસ્થિતિમાં પક્ષના નેતાઓને બેફામ આક્ષેપો કરવાનો પરવાનો મળી ગયો એવું તેઓ માને છે.

મજાની વાત એ છે કે જેની પાસે કેન્દ્રમાં સત્તા છે અને જેની ફરજ છે કે સમાજમાં થતા વ્યવહારોમાં ક્યાં ચૂક થાય છે તેનું ધ્યાન રાખે. તેટલું જ નહીં જે અધિકારીએ ચૂક કરી તેની ઉપર કામ ચલાવે. પણ આ સત્તાધારી પક્ષના નેતાઓ પહેલાં આરોપ મુકવાનું કામ કરે છે અને તેને માધ્યમો દ્વારા જાહેરમાં બદનામ કરવાનું કામ કરે છે.

જેના ઉપર આરોપ મુકવામાં આવ્યો હોય અને તપાસ ચાલુ હોય તે માહિતિના અધિકારમાં આવતું નથી. જ્યારે અહીં તો આરોપોને આધાર માની વ્યક્તિ/પક્ષને બદનામ કરવામાં આવે છે. આમ જુઓ તો કેન્દ્ર સરકારે રાજ્યોની કાર્યવાહી ઉપર નજર રાખવાની ફરજ અદા કરવાની હોય છે. આ કેન્દ્ર સરકાર એક તો પોતે પોતાની ફરજમાં ચૂકે છે અને રાજ્ય સરકાર ઉપર આરોપ મુકે છે. બંધારણ તો આ નહેરુવીયન કોંગ્રેસ સરકારે જ ઘડ્યું છે. પણ સમાચાર માધ્યમો મુદ્દા ઉપરની ચર્ચાઓ ટાળે છે અને બદનામી અને ધારણાઓની વાતોને ચગાવે છે.

જો સરકાર ચલાવતા પક્ષો અને તેને વેચાયેલા સમાચાર માધ્યમો મુદ્દાની વાત બાજુપર રાખી લૂલીને લગામ ન રાખે તો તેનો પ્રતિભાવ પણ સામે પક્ષે એવો જ મળશે. જેઓ નરેન્દ્ર મોદીને મૌતકા સોદાગર, ગોડસે, ખૂની, હિટલર, વાંદરો, ફેંકુ, મકોડો, ઉંદર, કાકીડો, ગરોળી, દેડકો, ચાવાળો વિગેરે વિગેરે  પોતાની આત્મતુષ્ટિ માટે કહે છે તેઓને વાસ્તવમાં દુઃખે છે પેટમાં અને કૂટે છે માથું. આ લોકો નરેન્દ્રમોદીના દરેક પગલામાં રાજકારણ જુએ છે અને નરેન્દ્ર મોદીને નિમ્નસ્તરનો આલેખવાની કોશિસ કરે છે. તમે સમજી લો કે આ લોકોએ પોતાને સુધરાવાની લાયકાત ગુમાવી દીધી છે

શિરીષ મોહનલાલ દવે

smdave1940@yahoo.com

smdave1940@gmail.com

http://ww.treenetram.wordpress.com

ટેગ્ઝઃ મતદાર, મંડળ, જનપ્રતિનિધિ, અલિપ્ત, કર્મ, મનોવૃત્તિ, નહેરુવીયન, કોંગ્રેસ, બીજેપી, નરેન્દ્ર મોદી, આમઆદમી, પક્ષ, કેજરીવાલ, ભ્રષ્ટ, ભારતીય બંધારણ, હક્ક, ઉત્તરદાયિત્વ, મહેનતાણુ, વિશ્વસનીય, મુદ્દા, ગુણવત્તા, ચર્ચા, સમાન મંચ, પ્રસ્તાવ

Read Full Post »