Feeds:
Posts
Comments

Posts Tagged ‘લડ્ડુ’

કકળાટ, વૃત્તિ કે એજન્ડા

ઘસાયેલો વિષય છે. ખબર નથી આપણા કાંતિભાઈ કટારીયા (ભટ્ટ)ભાઈએ જ્યારે ડીમોનીટાઈઝેશન કર્યું ત્યારે કંઈ લખેલું કે નહીં !!

આમ તો આપણા આ કટારીયાભાઈ “સબબંદરકા વ્યાપારી” છે એટલે લખ્યું તો કદાચ હોય પણ ખરું. પણ અમે તે વખતે ઇન્ડિયામાં ન હતા એટલે આપણા ડીબીભાઈના (દિવ્યભાસ્કરના) નિયમિત સંપર્કમાં રહેતા ન હતા. યુ-ટ્યુબ ઉપર ભારતની ઝી-ન્યુઝ, દૂરદર્શન, ટાઈમ્સ નાઉ (?) સુદર્શન ચેનલ છૂટક છૂટક જોતા હતા.

કકળાટ

જ્યારે આપણે કંઈ પણ લખીએ ત્યારે અમુક શબ્દોની આપણી વ્યાખ્યા લખી દેવી જોઇએ. કકળાટ એટલે જે વસ્તુ તમને તકલીફ આપતી હોય અને જો તમે પત્રકાર હો (કટારીયા) હો તો જો તમને એવું લાગતું હોય કે જાહેર જનતાને અસાધરણ તકલીફ પડે છે તો આ તકલીફને સતત વાચા (પુનરાવર્તનની છૂટ છે) આપ્યા કરવી તેને કકળાટ કહેવાય છે.

વૃત્તિઃ

તમારું જે વલણ હોય છે તે. આ વલણ તમારા અવલોકન, શ્રવણ અને વિચારો ઉપર આધારિત હોય અને તેના પરિણામે તે તમને કાર્યવાહી કરવા પ્રેરે છે તેને વલણ કહેવાય છે.

એજન્ડાઃ

તમારા અન્નદાતા (અહીં આપણે ડીબીભાઈને કટારીયા ભાઈઓના અન્નદાતા કહીશું) કે જેઓની વૃત્તિ તદ્દન પોતાની બુદ્ધિ (તર્ક) ઉપર અધારિત ન હોય પણ પરોક્ષ કે પ્રત્યક્ષ “લડ્ડુ” આપવાની શક્યતા કોની પાસેથી વધુ છે તેના ઉપર ઘડયેલી હોય છે. તેઓ તે પ્રમાણે વર્તતા હોય છે. તેમના વલણને આપણે એજન્ડા કહીશું. કારણ કે સમાચાર માધ્યમનું કામ આમ તો જનતાને કેવળ માહિતિ આપવાનું છે પણ સાથે સાથે માહિતિ છૂપાવવાનું પણ હોય છે. કારણ કે આપણી વૃત્તિ આપણા અન્નદાતાની વૃત્તિ ઉપર આધારિત છે.

જો કે બધા કટારીયા ભાઈઓ કુતર્કમાં માનતા હોય તે જરુરી નથી. કારણ કે સમાચાર માધ્યમોએ પોતે તટસ્થ છે તેવો પણ દેખાવ કરવો જરુરી છે જેથી ભારતના વિશાળ અજ્ઞજનોને અને અલ્પજ્ઞ જનોને  આપણા એજન્ડા પ્રમાણે દોરી શકાય.

આપણા કટારીયા ભાઈએ કદાચ જ્યારે ડીમોનીટાઈઝેશન (વિમુદ્રીકરણ) થયું તે સમયના ગાળામાં તે વિષે અભિપ્રાય ન આપવાનું વલણ લીધું હશે. અને તે યોગ્ય પણ ગણી શકાય કારણ કે, તે સમય, સમગ્ર રીતે વિમુદ્રીકરણને મુલવવા માટે અપરિપક્વ સમય હતો. અને હવે કદાચ વિમુદ્રીકરણને મુલવવાનો સમય પાકી ગયો છે એમ તેઓશ્રી માનતા હોય.

વિમુદ્રીકરણ ના સરકારે ગણાવેલા ફાયદાઓ

10 long term goals of demonetization

કાળાનાણાની ઉપર ઋણાત્મક અસરઃ

જો કે આપણો એજન્ડા કંઈક જુદો હોય તો આપણે આ “ઋણાત્મક” શબ્દનો અર્થ નાબૂદી એવો પ્રચાર કરી શકીએ.

કાળાં નાણાં કોની પાસે છે?

નહેરુવીયન કોંગ્રેસના આંકડાઓ પ્રમાણે ભારતના ૯૫ ટકા માણસોની આવક માસિક આવક રૂ. ૫૦૦૦/- થી ઓછી છે. એટલે એમની પાસે રૂ.૫૦૦/- અને રૂ. ૧૦૦૦/- ની નોટો કેટલી હોય તે કોઈ સંશોધનનો વિષય નથી. કારણ કે ઈન્કમ ટેક્ષ ભરનારાઓની સંખ્યા અર્ધો ટકો પણ નથી. વળી જ્યાં મોંઘવારીની બુમો પડતી હોય તેમાં લોકો પાસે આખરી તારીખે કે અઠવાડીયા પછી કેટલી નોટો બચે તે વિષે સુજ્ઞ જનોએ વિચારવું જોઇએ.

આપણો એજન્ડા અલગ છે તો?

જો આપણો એજન્ડા અલગ હોય અને આપણી વાતને સામાન્ય જનતા માટે અસરકાર રીતે રજુ કરવી હોય તો વિમુદ્રીકરણની અસરોની ચર્ચાને આપણે ભાવનાત્મક બનાવવી અનિવાર્ય છે. આમેય જો ક્ષુલ્લક વાતોને પણ જો આપણે ભાવનાત્મક શબ્દોનો ઉપયોગ કરી રજુ કરતા હોઈએ તો વિમુદ્રીકરણ જેવી ઘટનાની અસરોને તો ભાવનાત્મક શબ્દોમાં રજુ કરવી આપણો ધર્મ બને છે.

ભારતની વાસ્તવિકતા શું છે?

ભારતમાં ૧૫૦૦૦ માણસ દીઠ એક બેંક બ્રાન્ચ આવે. ઘણાને એક કરતાં વધુ બેંક માં પોતાના ખાતાં હોય તેને આપણે અહીં અવગણીએ છીએ. હવે જો એક ટકો માણસ ઈન્કમ ટેક્ષ ભરતો હોય તો તેની પાસે રૂ.૫૦૦/-ની અને રૂ.૧૦૦૦/- નોટો હોય તેમ માની લઈએ તો ૧૫૦ માણસની એવરેજ એક બેંક દીઠ આવે. આપણે આમાં ૧૦૦ ટકાની ક્ષતિ ગણીએ તો પણ ૩૦૦ માણસની એક બેંક દીઠ એવરેજ આવે. હવે જો આઠમી નવેમ્બરથી ડી-મોનીટાઇઝેશન લાગુ કરવામાં આવ્યું હોય એટલે જેઓ પાસે કાળા નાણાં નથી તેમનો ૩૩ ટકા પગાર તો વપરાઈ જ ગયો હોય. આ વાત પણ આપણે અવગણીએ છીએ. આ ઉપરાંત એટીએમ, ક્રેડીટ કાર્ડ ડેબીટ કાર્ડ વિગેરેનો  ઈન્કમ ટેક્ષ ભરનારાઓની દ્વારા થતા ઉપયોગકારોની સંખ્યા પણ આપણે અવગણીએ છીએ. એટલે કોઈ પણ બેંક દીઠ ૩૦૦ માણસની સંખ્યાથી વધે નહીં.

નોટો બદલવા માટે ૫૦ દિવસો આપેલા. એટલે રોજના એવરેજ વધુમાં વધુ ૧૦ માણસ થાય. એટલે લાઈનમાં એવરેજ ૧૦ માણસ થાય. આમાં આપણે વેપારીઓની સંખ્યા ઉમેરીએ.

જો બેંકો ૧૫૦૦૦ વ્યક્તિએ એક હોય તો વેપારીઓની સંખ્યા તેનાથી સોગણી ગણીએ. એટલે કે ૧૫૦ વ્યક્તિએ એક વેપારી એવરેજ થાય. પણ એક ટકા પાસે રૂ.૫૦૦/- અને રૂ.૧૦૦૦/- ની નોટો હોવાને કારણે, એક દુકાન દીઠ એક બેંકમાં એક દિવસની એવરેજે ૧.૫ વ્યક્તિ લાઈનમાં વધે. હવે જો વેપારી દશ દિવસે એક વાર બેંકમાં પૈસા જમા કરાવતો હોય તો એક બેંક દીઠ રોજની લાઈનમાં ૧૫ વ્યક્તિ વધે. એટલે કે ૨૫ માણસની લાઈન બેંકમાં થાય તે પણ ક્યારે કે બધા જ માણસો ૧૦ વાગે બેંકમાં આવી જાય તો.

પણ આપણને બેંક દીઠ ૨૫થી વધુ વ્યક્તિઓની લાંબી લાંબી લાઈનો જોવા મળી. તેનો અર્થ એમ થયો કે મોટા ભાગના લોકો, બીજા માટે લાઈનમાં ઉભારહ્યા હતા એટલે કે બીજાની રૂ.૫૦૦/- અને રૂ.૧૦૦૦/-  નોટો બદલાવવા ઉભા હતા.

જેઓ પોતાના કાળાંનાણાંની રૂ.૫૦૦/- અને રૂ.૧૦૦૦/- ની નોટો બદલાવી પડે તેમાં કોણ કોણ આવી શકે.

બીલ્ડરો, જેમણે પોતાની સ્થાવર મિલ્કત કાળાં નાણાંમાં આંશિક રીતે વેચી હોય તેવી વ્યક્તિઓ, અમુક વેપારીઓ, અમુક હોટલના માલિકો, સરકારી અધિકારીઓ, ડોક્ટરો, ખાનગી ચિકિત્સાલયો, કંપનીના અધિકારીઓ, ખાનગી શૈક્ષણિક સંસ્થાઓ અને મોટાપાયે ટ્યુશન ચલાવનારી સંસ્થાઓ, અને રાજકીય પક્ષોના હોદ્દેદારો અને ચૂંટાએલા જનપ્રતિનિધિઓ.

નોટો બદલવા માટે જે લાંબી લાઈનો લાગેલી તેમાં ઉપરોક્ત પ્રકારની વ્યક્તિઓના માણસો લાઈનમાં ઉભા હતા.

એમ કહી શકાય કે ટકાવારી પ્રમાણે દોઢ થી બે ટકા ઓછી નોટો આવી. એટલે કે રીઝર્વ બેંકે ચલણમાં જેટલી રૂ.૫૦૦/-ની અને રૂ. ૧૦૦૦/-ની જે ચલણી નોટો બજારમાં મૂકી હતી તેની મોટાભાગની નોટો બેંક પાસે પાછી આવી ગઈ. એટલે આપણા કટારીયાભાઈ નું માનવુ/મનાવવું છે કે કાળું નાણું નજીવું જ ચલણમાંથી બહાર થઈ ગયું. માટે આ તો ખોદ્યો પહાડ અને કાઢ્યો ઉંદર એમ જ થયું.

જો કે એક વાત આપણા સમાચાર માધ્યમોના સુજ્ઞ જનો ભૂલી જાય છે.

કઈ વાત આપણા સુજ્ઞજનો ભૂલી જાય છે?

ધારો કે ૪૮ લાખ કરોડની નોટો સરકારે છાપી હતી. અને ૪૮ લાખ કરોડથી ઓછી નોટો આવે તો તો એમ કહી શકાય કે કમસે કમ જેટલી કિમતની નોટો ઓછી પાછી આવી તેટલું કાળું નાણું નષ્ટ થયું.  પણ ધારોકે ૪૮ લાખ કરોડની રૂ. ૫૦૦/- ની ચલણી નોટોને બદલે ૫૦ લાખ કરોડની કિમતની રૂ. ૫૦૦/- નોટો પાછી આવી હોત તો?

જો આવું થયું હોત તો?

કેટલાક વિદ્વાનો કૂદીકૂદીને કહેત કે આ તો બનાવટી નોટો સરકારે બદલી દીધી.

આ તો થઈ કાળાંનાણાં બદલાવવા માટેની લાઈનો વિષે. પણ બનાવટી નોટોનું શું? શું બનાવટી નોટો બદલાવવામાં આવી નથી?

બનાવટી નોટોની કથા (કથા એટલે હકિકત)

૨૦૦૪માં નવી આવેલી નહેરુવીયન કોંગ્રેસે રૂ.૫૦૦/- ની ચલણી નોટો છાપવાનું ગ્લોબલ ટેન્ડર ફ્લોટ કરેલ. ટેન્ડર એ કંપનીનું માન્ય રાખવામાં આવેલ જે કંપની બીજા કેટલાક દેશોમાં બ્લેક લીસ્ટ થયેલી કારણ કે તેના સંબંધો આતંકવાદી સંસ્થાઓ સાથે હતા. વળી આ ચલણી નોટોની ખરાઈ કરવાના મશીનોનો કોન્ટ્રાક્ટ પણ એ જ કંપનીને આપવામાં આવેલો.

એટલે આ તો એવું થયું કે ઈન્દિરા ગાંધીને સંજયગાંધીની મારુતિ ગાડીનું કૌભાન્ડ તપાસવાનું કામ પોતાને હસ્તક લીધું. પછી ઇન્દિરા ગાંધી કહે કે “સંજય તો નિર્દોષ છે. જો સંજય ગાંધીનો દોષ હોત તો મેં એને સજા કરી હોત!! મેં તેને કશી સજા કરી નથી તેથી જ સિદ્ધ થાય છે કે સંજય ગાંધી નિર્દોષ.” વળી તેણી ઉમેરત કે “શું હું જુઠું બોલું છું? એક મહાન દેશના વડાપ્રધાન ઉપર આક્ષેપો કરતાં તમને શરમ નથી આવતી?”

એટલે કે કોઈ આપણને બેશર્મ કહે તે પહેલાં જ આપણે તેને બેશરમ કહી દેવો. આ ઈન્દિરાઈ કોંગ્રેસની પ્રણાલી છે.

બનાવટી નોટોની વ્યાપકતા

રૂ. ૫૦૦/-ની બનાવટી નોટોની  વ્યાપકતા એટલી બધી હતી કે રાષ્ટ્રીયકૃત બેંકોના એટીએમમાંથી પણ બનાવટી નોટો નિકળેલી. ઉપરોક્ત નોટોના ખરાઈ કરનારા મશીનો નોટોની “૧૬” જાતની ખરાઈ ચેક કરતા. જ્યારે વાસ્તવમાં ૧૮ થી ઉપર ખરાઈ ચેક કરવાની ક્ષમતા મશીનમાં હોવી જોઇએ. આ બાબત અમેરિકાની એક કંપનીને જ્યારે ખરાઈ ચેક કરવા આપી ત્યારે બહાર આવેલી.

આપણે સુપેરે જાણીએ છીએ કે નહેરુવીયન કોંગ્રેસ સરકારે ઓગણીશો નેવુંમાં નિમેલી એક કમીટીના રીપોર્ટ પ્રમાણે પોલીસ, રાજકીય પક્ષના નેતાઓ, અને અસામાજીક તત્વો વચ્ચે સાંઠગાંઠ છે. આપણે જાણીએ છીએ કે એન્ડરસન અને કવૉટ્રોચી કેવી રીતે સરળતા પૂર્વક ભાગી ગયા હતા.

સુજ્ઞજનો જ નહીં પણ સામાન્ય કક્ષાનો વ્યક્તિ પણ આવી ઘટનાઓ સમજે છે. એટલે સરકારી બેંકોના એટીએમમાંથી બનાવટી નોટો નિકળે તેમાં બનાવટી નોટો ઘુસાડ્યાની બાબતમાં કયા પક્ષની સંડોવણી હોઈ શકે તેનું આનુમાન કરી શકાય છે. અલબત્ત નહેરુવીયન કોંગ્રેસ આવી જવાબદારીમાંથી છટકી ન જ શકે. તેણે કેટલા પૈસા બનાવ્યા તે સંશોધનનો વિષય છે.

ટૂંકમાં બનાવટી નોટો પણ બેંકોએ બદલી આપી હશે જ તેમાં શક ન કરવાનું કોઈ કારણ નથી. પણ જે બનાવટી નોટો કાળાંનાણાંવાળા બદલાવી ન શક્યા તેને નફો ગણવો જોઇએ. આતંકવાદીઓ ખાસ કરીને કાશ્મિરના આતંકવાદને પોષકનારા દેશી વિદેશી તત્વો અને નક્ષલવાદી માર્ક્સવાદીઓને સહાય કરનારા તત્વો ને બહુ મોટો ફટકો પડ્યો છે.  

બે લાખ બોગસ કંપનીઓઃ

એન.જી.ઓ. ઉપર તવાઈ આવી એ ઉપરાંત આશરે બે લાખ કંપનીઓ બનાવટી માલુમ પડી છે અને તેમનું રજીસ્ટ્રેશન રદ થયું. હવે આ બધાની તપાસ ચાલુ છે. એ ઉપરાંત આટલા જ કે તેથી વધુ લેવડ દેવડ કરનારા શંકામાં આવ્યા છે અને તેમની ઉપર તપાસ ચાલુછે. હવાલા કાંડોની તપાસ પણ ચાલુ છે.

બોગસ કંપનીઓ વિષે સરકારને પહેલાં કેમ ખબર ન પડી?

(જો કે આ મુદ્દો કટારીયા ભાઈએ ઉઠાવ્યો નથી.)

બેનામી પાસપોર્ટ, બેનામી પાનકાર્ડ  અને બેનામી વ્યક્તિને નામે સ્થાવર મિલ્કત હોવી એ આપણા દેશમાં એક સામાન્ય વાત છે. નહેરુવીયન કોંગ્રેસે સ્થાપેલી સીસ્ટમ અને અધિકારીઓના સંસ્કાર જ એવા છે કે “ગાંધી-વૈદ્યનું” સહીયારું અને “ચોર-કોટવાલ”નું સહિયારું એવો ઘાટ છે. જો આ બાબત માટે તપાસ કરવાનું કામ પહેલાં કરવામાં આવ્યું હોત તો તે કામ સરકારી ગધેડાઓને ઉપર હાથીનો બોજ ઉપાડવાનું કહ્યા બરાબર હતો. જ્યારે ૯૫ ટકા તંત્ર બગડેલું હોય ત્યારે તેની ખરાઈ કરવી કરવી પણ મુશ્કેલ બને છે. પણ હવે જે કિસ્સાઓ સામે આવ્યા તે બેંકો દ્વારા ગળાઈને આવ્યા છે. એટલે હવે તપાસ સરળ રહેશે.

તો હવે જેઓ નોટો બદલાવવાની લાઈનોમાં મરી ગયા તેમનું શું?

તેમજ

નરેન્દ્ર મોદીએ કહેલ કે “અમે કાળું નાણું લાવીશું અને દરેકના ખિસ્સામાં પંદર લાખ મૂકીશું તેનું શું?

જો કે નરેન્દ્રભાઈએ આ શબ્દો વાપર્યા નથી. પણ તેમણે એક ધારણા પ્રમાણે કાળાંનણાંના જત્થાનો અંદાજ આપેલો કે એક વ્યક્તિને ભાગે ૧૫ લાખ રૂપીયા આવે. પણ આ બધાં નાણાં ચલણી નોટોમાં છે તે તો વિપક્ષીનેતાઓનું ખાસ કરીને રાહુલ ગાંધીનું અર્થઘટન છે.

જો ઉપરોક્ત કથનને મહત્વ ન આપીએ તો આપણે જોયું કે કાળાંનાંણાંવાળાઓએ ૫% કે જે કંઈ હોય તે, કમીશનને આધારે પોતાના માણસોને નોટો જમા કરાવવા/બદલાવવા મોકલેલ. આ માણસોએ પોતાના ખાતાં ન હોય તો ખોલાવીને તેમાં જમા કરેલ ને પછી તેમના અન્નદાતાઓને પરત કરેલ.

આ બધા આમ તો વફાદાર હતા એટલે તેમણે નાણાં પરત કર્યાં. પણ એક વખતતો તેમના ખિસ્સામાં બે/ત્રણ લાખતો આવી ગયા જ કહેવાય. હવે તેઓ જો આવા આવી ગયેલા પૈસાને પરત કરે તો “બિચારા મોદીકાકા શું કરે?”   

આપણા કટારીયા ભાઈએ, કેટલા માણસો લાઈનમાં લાગવાને કારણે મરી ગયા તેના કોઈ આંકડા આપ્યા નથી. આપણી પાસે બોગસ આંકડા પણ નથી. તેમજ કેજ્રીવાલે કે કોઈ કોંગી નેતાએ કે પોતાને લોકાભિમુખ માનનારા બીજા કોઈપણ નેતાએ કૉર્ટમાં પીઆઈએલ (જનહિતની અરજી) ફાઈલ કરી નથી. એક વૃદ્ધભાઈ મરી ગયેલ પણ તેમના જ સુપુત્રે કહેલ કે તેમનું મૃત્યુ લાઈનમાં ઉભા રહેવાને કારણે થયું ન હતું.   

તમે તટસ્થ ક્યારે કહેવાઓ?

તમે જો ગટરના કીડા હો તો ફક્ત ગટરની જ વાત કરો. જો તમે તટસ્થ હો તો, અને જો તમે સુજ્ઞ હો તો તમારે “બનાવટી ચલણી” નોટોની વાત પણ કરવી જોઇએ. જે બોગસ કંપનીઓ પકડાઈ હોય તેની પણ વાત કરવી જોઇએ. હવાલા મારફત આતંકવાદીઓના સબંધીઓ ઉપર તવાઈ આવી છે તેની વાત પણ કરવી જોઇએ. આ બધા કંઈ તમારી માટે અજાણી વાતો નથી. જો તમે આ બધી વાતોને છૂપાવો એટલું જ નહીં પણ ઉપરોક્ત દુષણોનું નિર્મૂલન કરવાના ઉપાયો પણ ન સૂચવો તો તમારામાં અને નેશનલ કોન્ફરન્સ અને માંદી ધર્મ નિરપેક્ષવાદી નેતાઓમાં ફેર શો? આ નેતાઓ કે જેઓ એક પત્થરબાજને સુરક્ષાદળોએ જીપ ઉપર બાંધ્યો તે ઘટના ઉપર કૂદી કૂદીને બોલે, પણ હજારોની સંખ્યામાં કતલ થયેલા કાશ્મિરી હિન્દુઓ અને લાખોની સંખ્યામાં બેઘર કરવામાં આવેલા કાશ્મિરી હિન્દુઓ વિષે મૌન ધારણ કરે. એટલું જ નહીં પણ દશકાઓ સુધી રાજ કર્યા પછી પણ તેમને એવી નિરાધાર સ્થિતિમાં જ રાખે અને નિસ્ક્રીય રહે. જો તમે આવા હો તો તમારા માટે દુનિયાની બધી જ ગાળો યોગ્ય છે.

આ કટારીયા ભાઈએ કરેલો “ગરીબની હાય” શબ્દ પ્રયોગ ભ્રામક અને હાસ્યાસ્પદ છે.

જો અમારા જેવા ખાધે પીધે સુખી એવા નિવૃત્ત ઉંમર લાયક ની વાત કરીએ કે અમારા જેવાના કમાતા ધમાતા સંતાન અને સન્માર્ગે જ ચાલનારાની વાત કરીએ તો મને કદી પગારમાં ૫૦૦ની નોટ મળી નથી. પેન્શન ખાતામાં જમા થાય છે. જ્યારે નોટબંધી થઈ ત્યારે અમે ઈન્ડિયામાં ન હતા. ઉંમરને કારણે જે કંઈ રોકડા રાખેલા તે પંદરેક નોટો અમે બેંકમાં ડીસેમ્બરના પહેલા અઠવાડીયામાં જમા કરાવેલી. યુબીઆઈમાં કશી જ ભીડ ન હતી. અમે તો એક ટકામાં આવીએ. અમારા કોઈ સગાંઓને પણ તકલીફ પડી ન હતી. તેમાં ઘણા લોકો ધંધાદારી પણ છે.

તમને તકલીફ પડી? તો તમે ખેડૂતોનું નામ લો, જાટનું નામ લો, પાટીદારોનું નામ લો, ગરીબોનું નામ લો, રોજે રોજનું ખાનારાઓનું નામ લો ….  આવા બધાનું નામ લેવાની ફેશન છે. ફક્ત તમે તમારું નામ ન લો.

શિરીષ મોહનલાલ દવે

ચમત્કૃતિઃ

આત્મવત્‌ સર્વભૂતેષુ યઃ પશ્યતિ સઃ પંડિતઃ

(જે બધાને પોતાના જેવા જુએ છે તે પંડિત છે)

Read Full Post »