Feeds:
Posts
Comments

Posts Tagged ‘લિબરલ’

ફોબીયા પીડિત મીડીયા મૂર્ધન્યો સજ્જ છે મોદીને હરાવવા

ફોબીયા પીડિત મીડીયા મૂર્ધન્યો સજ્જ છે મોદીને હરાવવા

રાજકારણમાં એવું મનાય છે કે જો કોઈપણ પક્ષને હરાવવો હોય તો બીજા પક્ષોએ ભેગા થવું જોઇએ.

બધા જુદીજુદી જગ્યાએ જુએ છે અને નિશાન અલગ અલગ છે

કારણ કે સૌથી મોટો દુશ્મન સમાન છે. આમ તો દરેક પક્ષ એકબીજાના નાના મોટા દુશ્મન તો હોય છે પણ જે સૌથી મોટો દુશ્મન છે તે તો એવો જોરાવર છે કે તે તો આપણને ખતમ કરી શકે એવો છે અને જો હવે તે ફરી વખત જીતી ગયો તો આપણું તો અસ્તિત્ત્વ જ મટી જશે.

શા માટે અસ્તિત્વ મટી જવાનો ડર તેમને સતાવે છે?

આનું કારણ તો તેઓ પોતે પણ જાણે છે. તેઓ ભ્રષ્ટાચારથી ખરડાયેલા છે અને તે ઉપરાંત તેમના અનેક સમાજ વિરોધી કાર્યો તેમને ફસાવી શકે છે.

અરે ભાઈ રાજકારણમાં તો બધા ખરડાયેલા જ હોય છે. અને આવો રીપોર્ટ તો સૌથી વધુ ભ્રષ્ટ એવા કોંગ્રેસ પક્ષે નીમેલી સમિતિએ જ ઓગણીસો નેવુંના દશકામાં આપેલો છે. તો પછી ગભરાવવું શા માટે?

ભાઈ, આ તો એવો પ્રધાન મંત્રી આવ્યો છે જે ફસાવ્યો ફસાય એવો નથી. અને તેના મંત્રીમંડળમાં પણ એવા કોઈ સદસ્ય નથી કે જેમને ફસાવી શકાય. બનાવટી ઘટનાઓ અને વિવાદાસ્પદ ઘટનાઓ ઉભી કરી તો પણ તેમાંનું કોઈ ફસાયું નથી.

હા એક વસ્તુ જરુર છે કે આપણે મોદી અને તેના પક્ષની જ્યાં જ્યાં સરકારો છે ત્યાં તેની વિરુદ્ધ વાતાવરણ નિર્માણ કરી શકીએ. આવા કામ વિવાદો ઉભા કરીને કરવા. દેશમાં અને રાજ્યોમાં બનતી ઘટનાઓનો લાભ લેવો. હવે આપણો દેશ તો અતિવિશાળ છે એટલે ઘટનાઓ તો તૂટો નથી. આમેય બાળકો ઉપર થતા દુષ્કર્મો તો એવી ઘટના છે કે (નામ આપવાની જરુર નથી એટલે) આપણે બનાવટી પણ ઉભી કરી શકીએ. એટલે એક વખત જ્યારે સરકાર વિરુદ્ધ વાતાવરણ બનશે એટલે આપો આપ આપણી દાળ ગળશે.

હા. પણ આ માટે તો ઘણા મૂર્ધન્યોની જરુર પડશે.

અરે ભાઈ મોટા ભાગના તો વેચાવા તૈયાર જ છે. કેટલાક પોતે તો તટસ્થ હોવા જ જોઇએ એવું માને જ છે. કોઈ તેમને “તમે તટસ્થ નથી” એવો ટોણો મારી જાય તે તેમને ન ચાલે. તેઓ ઈચ્છે છે કે આવો કોઈ આભાસ પણ ઉભો ન થવો જોઇએ. આવી માનસિકતા વાળા “ડબલ ઢોલકીયા” હોય છે. હવે આવા મૂર્ધન્યો ભલે પ્રમાણમાં ઓછા હોય છે. તેઓ તો આપો આપ પ્રસંગોપાત તેઓ આપણી તરફમાં પણ ઢોલકી બજાવતા હોય, પણ આપણે તેમને તેવા વધુને વધુ મોકા આપતા રહીશું.  જેઓ વાસ્તવિકરીતે તટસ્થ છે તેમની દરકાર આપણે કરવાની જરુર નથી કારણ કે તેવા મૂર્ધન્યોનો ઘણા જ અલ્પ છે. અને જેઓ બીજેપી તરફી છે તેમને તો આપણે સ્પર્શવાના પણ નથી. આવાઓને આપણે અનેક વિશેષણો થી નવાજી શકીશું.

હા. એકવાત ખરી કે જેઓ વિવેક બુદ્ધિવગરના છે તો પણ વિખ્યાત બની ગયા છે તેઓ આપણી મહાન સંપત્તિ છે. તેમને તો આપણે સાચવી લેવા જ પડશે. તેમને આપણે વધુને વધુ ખ્યાતિ આપવી પડશે.

આ વાત ખ્યાતિ ધરાવતા સમાચાર પત્રોને પણ લાગુ પડે છે.

આવા બહુ વાચક વર્ગ ધરાવતા સમાચાર પત્રોને આપણે ખાસ સાચવી લેવા પડશે. ઈલેક્ટ્રોનિક મીડીયા આવી ગયું છે પણ પ્રીન્ટ મીડીયાનો પણ દબદબો એટલો બધો ઘટી ગયો નથી કે તેને આપણે અવગણી શકીએ. જોકે તેઓ ડબલ ઢોલકી વગાડશે (એમ કહીને કે “અરે ભાઈ અમે પણ તટસ્થ છીએ તેવું લાગવું તો જોઇએ ને!!” ) પણ તેઓ આપણી તરફની ઢોલકી વધુ વગાડશે. શું સમજ્યા?

સૌથી વધું કાળું નાણું ક્યા જમા થાય છે અને વપરાય છે?

સ્થાવર મિલ્કતના કારોબારમાં.

“દરેક સમાચાર પેઈડ સમાચાર છે.” આ એક બ્રહ્મ સૂત્ર છે. સિવાય કે માલિક, મહાત્મા ગાંધીવાદી હોય. પણ મહાત્મા ગાંધીવાદીઓનો હવે જમાનો નથી. મહાત્મા ગાંધીનું નામ લઈ લઈને જીભનો કૂચો કરનારી નહેરુવીયન કોંગ્રેસે પણ તેમના વિચારોને અડવાનું ક્યારનુંય છોડી દીધું છે. દરેક સમાચાર પેઈડ સમાચાર હોય છે. અને આ નાણાં કાયમ કાળાં હોય છે. એટલે તો ઘણા સમાચાર પત્રોએ “બીલ્ડર”ના ધંધામાં ઝંપલાવેલ. પણ સાલી આ મોદી સરકાર, મોટી નોટો બદલી નાખે છે. તેથી આપણી ઘાણી થાય છે.

ચલો જે થઈ ગયું એ થઈ ગયું. કાળાં નાણાં ધીમે ધીમે વાપરવાં. આમાં કોઈ તકલીફ નથી. અને ઇશ્વર પણ આમાં તકલીફ ઉભી કરી શકે તેમ નથી. માટે ઝીકે રાખો બાપલા.

તો હવે સજ્જ થઈ જાઓ.

કેવી રીતે સજ્જ થઈશું?

રાઈનો પર્વત બનાવીને અને પર્વતની રાઈ બનાવીને.

એવા પ્રસંગો શોધો અને એવા મૂર્ધન્યો શોધો કે જે બીજેપી વિરુદ્ધ અને અથવા રાહુલ ગાંધીની તરફમાં લખી શકે.

બીજેપીની વિરુદ્ધ તો લખીશું એમાં તો આપણને ફાવટ છે. આપણે બીજેપી વિરુદ્ધ બનાવટી ઘટનાઓ ઉભી કરીશું. અથવા તો દેશ માટે નાની પણ પ્રદેશમાટે કંઈક અંશે ઠીક ઠીક, એવીને ઘટનાને આલ્પ્સને જો હિમાલયની ઉપર મૂકીએ તો જે પર્વત બને એવડી મોટી બનાવીને એવી ખૂબીલીટીથી પ્રકાશિત કરીશું કે બોમ્બે બ્લાસ્ટ પણ ફીકા પડે.

તો હવે ડીબીભાઈએ (દિવ્ય ભાસ્કર સમાચાર પત્રે) શું કર્યું તે જોઇએ.

લોકરક્ષક દળ ની ભરતી માટેની પરીક્ષા

ગુજરાત રાજ્યમાં લોક રક્ષક દળમાં નોકરીઓ હતી. એટલે કે લોકરક્ષક દળની ભરતીની પરીક્ષા હતી. તેની પરીક્ષાનો દિવસ નક્કી કર્યો. તેના પરીક્ષા કેન્દ્રો નક્કી થયા. બધા પરીક્ષાર્થીઓ પરીક્ષા આપવા બેસવાના હતા. પણ પરીક્ષા પ્રશ્નપત્રકો વહેંચાય તે પહેલાં ખબર પડી કે પ્રશ્નપત્ર તો ફૂટી ગયું છે.

એટલે સરકારે પરીક્ષા રદ કરી એટલે કે મુલતવી રાખી.

હવે ડીબીભાઈને થયું કે આ ઘટનાને મોટામાં મોટું સ્વરુપ કેવી રીતે અપાય? આ ઘટનાને ઈમોશનલ પણ બનાવવી પડશે. એટલે પરીક્ષાર્થીઓ પાસે થી જુદી જુદી વાર્તાઓ પણ બનાવવી પડશે અને તેને પણ ઇમોશનલ બનાવવી પડશે. કોઈ પરીક્ષાર્થીની માતા માંદી હતી અને તે કેવી રીતે મુશ્કેલીથી આવ્યો હતો. કોઈ પરીક્ષાર્થી રાતોની રાતોના ઉજાગરા કરીને આવ્યો હતો. કોઈ પરીક્ષાર્થી, ઉધાર પૈસા લઈને ટીકીટ કઢાવીને આવ્યો હતો. કોઈ પરીક્ષાર્થી વાહન ઉપર લટકીને માંડ માંડ આવ્યો હતો. કોઈ પરીક્ષાર્થી ખેતી છોડીને આવ્યો હતો … આવી તો અનેક વાર્તાઓનું અન્વેષણ કરવાની જવાબદારી ડીબી ભાઈને માથે આવી હતી. અને તેમણે તે હોંશે હોંશે નિભાવવાની હતી.

પણ ડીબીભાઈ માટે આ શું પૂરતું હતું?

ના ભાઈ ના…

ડીબી ભાઈને થયું કે આમાં તો બીજી ઘણી વાર્તાઓનું અન્વેષણ કરવાની શક્યતાઓ છે અને ન હોય તો પણ આપણે તે શક્ય કરવું પડશે. કમસે કમ પરીક્ષાર્થીઓને અને તેમના સગાંવહાલાંઓને તો એવું લાગવું જ જોઇએ કે તેમની આ ઘટના બહુ મોટી હતી અને તેને વાચા આપવા માટે પરદુઃખભંજનો કે શૂરવીરો, કે નિડરો ગુર્જર ધરા ઉપર વિદ્યમાન છે.

તો ડીબીભાઈનો ટાર્જેટ શો હતો?

ભાઈ ભાઈ… આપણે આ ઘટનાને એક તકમાં તબદિલ કરવો પડશે. જેમ મોદી સાહેબ પોતાના શાસન ઉપર આવેલી આપત્તિને અવસરમાં ફેરવવામાં માહેર બનતા હતા તેમ આપણે, બીજાની ઉપર આવેલી આપત્તિને આપણા માટે અવસરમાં પલટાવવી પડશે.  અને તેમાં મુખ્ય મંત્રીને એટલે કે ગુજરાતની બીજેપી સરકારને સંડોવવી જ પડશે.

ભાઈઓ આવી ઘટનાઓ કંઈ નવી નથી. ભારતમાં તેના રાજ્યોમાં આવું તો બનતું જ આવ્યુ છે. આમાં નવું શું છે કે આપણે તેને હદ બહાર ખેંચી લઈ જઈ શકીએ?

ડી.બી. ભાઈ બોલ્યા “અરે એ બધું તમે અમારા ઉપર છોડી દો. કોઈ પણ ઘટનાને કેવી રીતે ઘડવી, મરોડવી (ટ્વીસ્ટ કરવી) અને પ્રદર્શિત કરવી તેમાં તો અમારે ફાવટ કેળવવી જ જોઇએ. અને તે પણ જ્યારે બીજેપી શાસિત રાજ્ય હોય ત્યારે તો ખાસમ ખાસ.

તો તમે શું કરશો?

ડીબીભાઈ ઉવાચ “અમે ત્રણ ત્રણ દિવસ સુધી કે તેથી વધુ, બે બે પાના ભરીને ભોજન બનાવીશું. તમે જોઇ લેજો અમારું ભોજન. અમે બીજેપી વિરુદ્ધ જબ્બરજસ્ત વાતાવરણ બનાવી દઈશું. બીજેપી વિરુદ્ધ વાતાવરણ બનાવવું એ તો અમારો મુદ્રા લેખ છે. ભલે લખાણમાં મુદ્રાદોષ આવી જાય છે!! અરે ભાઈ વાચકો તો મુદ્રાદોષ ચલાવી જ લે છે ને! ગુ.સ.ભાઈએ “ફલાણા વિદેશી ડીપ્લોમેટનું હવાઈ મથકે સ્વાગત થયં” એવું મુદ્રાલેખન કરવાને બદલે “ફલાણા વિદેશી ડીપ્લોમેટનું હવાઈ મથકે અવસાન થયું” એવું મુદ્રાલેખન કરી દીધું તો વાચકોએ શું તેમને ફાંસીએ ચડાવી દીધેલા?

તો પછી … ખાલી ચિંતા શું કરવી? “અવસાન” શબ્દ વધુ આકર્ષક લાગ્યો હશે એટલે વાપરી નાખ્યો. એ કંઈ મુદ્રાદોષ થોડો હતો?

શબ્દોના અર્થ તો રા.ગા. ભાઈ પણ સમજતા નથી. અરે ભાઈ, ઇન્દિરાબેનને પણ ક્યાં વિભાજન શબ્દના અર્થની ખબર હતી? આ તો જ્યારે ઓગણીસો પચાસના દાયકામાં સંસદમાં અવારનાવર વપરાવવા લાગ્યો, એટલે બેનને થયું કે આ “વિભાજન … વિભાજન…” શું બોલ્યા કરે છે!!! “વિભાજન” એટલે વળી શું છે? એટલે એમને પૂછવું પડ્યું કે આ વિભાજન એટલે શું? કેટલાક લોકો આ વાત થી ધન્ય ધન્ય થઈ ગયા કે આપણા વડાપ્રધાન નેહરુ કેટલા સરસ પાશ્ચિમાત્ય છે કે એમના પુત્રી ઇન્દિરા બેન પણ અસલ એમના જેવાં જ છે.

ઇન્દિરાબેન અને વિભાજન યાદ આવ્યાં એટલે રા.ગા.ભાઈ પણ યાદ આવ્યા.

હાસ્તો … શબ્દો કેવી રમૂજ ફેલાવે છે અને શબ્દોના અર્થો પણ કેવી રમૂજ ફેલાવે છે.

અંગ્રેજીમાં જો જીભ થોથવાય તો ઘાણી થાય. એક તો આપણી યોગ્યતા ખતમ થાય. લાલુ પ્રસાદ ની જેમ જ સ્તો. તેમણે એક વખત સંસદમાં અંગ્રેજી બોલીને બધાને ખૂબ હસાવેલા. અને કેટલાકે આને આપણી સંસદની કક્ષાની ટીકા કરી કે સંસદમાં પણ સદસ્ય થવાની યોગ્યતાની પરીક્ષા લેવાવી જોઇએ.

પણ જો તમે ભારતીય ભાષા બોલતાં થોથવાઓ તો તમારામાં સંસદસદસ્ય થવાની યોગ્યતા આપોઆપ આવી જાય છે. દાખલો લેવા દૂર જવું પડે તેમ નથી. રા.ગા. સાહેબ હાજરા હજુર છે. ચાર વાર તેમણે વિશ્વેશ્વરૈયા બોલવાનો પ્રયત્ન કર્યો. પણ નિસ્ફળ ગયા એટલે તેમને થયું જવા દો. લોકો તો સમજી જ ગયા છે કે હું કોનું નામ બોલવા માગું છું. તો હવે સમજેલા વધુ શું સમજાવવું! હું તો નહેરુવંશી છું એટલે હું તો સંસદ સદસ્ય જ નહીં પણ વડોપ્રધાન થવાની પણ યોગ્યતા ધરાવું છું.

હમણાં વળી પાછી રા.ગા.ભાઈની ઘાણી થઈ.

રા.ગા. ભાઈએ કહ્યું “અશોક ગેહલોતજીને કુંભકરણ લીફ્ટ યોજનાકા પૈસા દિયા…” રા.ગા. ભાઈને તો ખબર જ ન હતી કે તેમણે વાંચીને વાંચીને પણ બોલવામાં કંઈ ભૂલ કરી છે. એટલે તેઓશ્રી તો જાણે કંઈજ થયું ન હોય, અને બધું નોર્મલ જ છે એમ જ માનીને આગળ બોલવા જ જતા હતા. તેવે સમયે કોઈ માઈનો લાલ સ્ટેજ ઉપર હતો, તેણે તેમને અટકાવ્યા. અને કુંભકરણ નહીં પણ કુંભારાણા એમ સુધરાવ્યું.

તમને કોઈ ઉંઘમાંથી જગાડીને પણ પૂછે, તો પણ તમે, સિદ્ધરાજ જયસિંહને બદલે સિદ્ધરાજ જયચંદ ન બોલો. પણ રા.ગા. ભાઈ કે જેઓ દત્તાત્રેય ગોત્રના છે તેમને માટે બધું શક્ય છે. તેમને ક્યારેય એ ટ્યુબલાઈટ ન થાય કે કુંભકર્ણ એ એક અણગમતું પાત્ર છે અને કુંભારાણા એક મનગમતું પાત્ર છે. એમને લાગ્યું કે કુંભકર્ણ હોઈ શકે કારણ કે કુંભકર્ણ, એ શાબ્દિક રીતે વધુ સુસંસ્કૃત લાગે છે.

આપણા શેખર ગુપ્તાજી તો રા.ગા.ભાઈ પર ફીદા છે.

શે.ગુ. (શેખર ગુપ્તા) ભાઈના કહેવા પ્રમાણે રા.ગા. ભાઈ, હમણાં હમણા જે કંઈ કરી રહ્યા છે તે તેમની એક જબ્બરજસ્ત ચતુર ચાલ છે. એટલે કે તેઓશ્રી એટલે કે રા.ગા. ભાઈ એક ચક્રવ્યુહ બનાવી રહ્યા છે. રા.ગા. ભાઈ ધર્મપ્રેમી હિન્દુ હોવા ઉપરાંત ઉચ્ચવર્ણના બ્રાહ્મણ છે. અને આ શોધદ્વારા રા.ગા.ભાઈએ બીજેપી ભાઈઓને ચક્કર ખવડાવી ચત્તાપાટ પાડી દીધા છે. સંઘવાળાએ પૂછ્યું કે તમે બ્રાહ્મણ છો તો તમારું ગોત્ર કયું છે. રા.ગા. ભાઈએ તો જનોઈધારી બ્રાહ્મણ ઉપરાંત તેમનું ગોત્ર પણ જણાવ્યું. દત્તાત્રેય ગોત્ર.

શે.ગુ. ભાઈ, તેમના રા.ગા.ભાઈના આ કથનને રા.ગા.ભાઈનો માસ્ટર સ્ટ્રોક ગણાવે છે.

આમ તો શે.ગુ.જી ના કહેવા પ્રમાણે રા.ગા.ભાઈએ તો ડાબેરીઓ, (તથા કથિત) ધર્મનિરપેક્ષ અને લિબરલ (ગેંગ) ને છક્કડ ખવડાવી દીધી છે. એટલે કે રા.ગા. ભાઈ એ બધા કરતાં વધુ ચાલાક નિકળ્યા છે. રા.ગા.જીએ શું કરવું જોઇતું હતું તેમાં કોકને ટાંક્યા છે અને ઇન્દિરા ઉપર વાતવાતમાં ફૂલ પણ ચડાવી દીધું.

હવે જો બીજેપીવાળાઓ રા.ગા.ના મંદિર મંદિર પર્યટન ને પાખંડ કહેતા હોય તો શે.ગુ.જી તેનું સામાન્યીકરણ કરીને તેને મોળું બનાવી દે છે. આ કોંગી-ભક્તોની આદત છે.

સીત્તેરના દશકાના પૂર્વાર્ધમાં, ઇન્દિરા ગાંધીની આપખૂદી વિષે અને ભ્રષ્ટાચાર વિષે આરોપો લાગતા ત્યારે પણ તેના ભક્તો કંઈક આથી પણ વિશેષ વાત કહેતા હતા, કે આવું તો તમે પહેલેથી જ કહો છો. આમાં નવું શું છે? એટલે કે કોંગીઓના અને તેમના ભક્તોના કહેવા પ્રમાણે તમે હેલમેટ ન પહેરી હોય અને કોઈએ અવાર નવાર ધ્યાન દોર્યું હોય. પણ તમને હેલમેટ ન પહેરવાનો, પરવાનો મળી ગયો. હર હમેશ હેલમેટ ન પહેરવાથી ગુનો બનતો નથી. કારણ કે અમે હેલમેટ નથી પહેરતા એ તો તમે કહી જ દીધું છે એમાં નવું શું છે?

આપણી વાત હતી રા.ગા. ભાઈના ગોત્રની.

રા.ગા.ભાઈએ પોતાનું ગોત્ર શોધી કાઢ્યું છે. તેમનું ગોત્ર “દત્તાત્રેય” છે. હવે ન તો શે.ગુ.ભાઈને ખબર છે કે ન તો રા.ગા. ભાઈને ખબર છે કે ગોત્ર એટલે શું? તેઓ એમ સમજતા લાગે છે કે આપણા કોઈ મહાન પૂર્વજ એ આપણું ગોત્ર.

ગુરુ પરંપરા અને ગોત્ર એ ભીન્ન છે તે શે.ગુ.ભાઈને જ, ખબર ન હોય.  આ વાત તેઓશ્રી કદાચ પોતે જ ન સમજી શકતા હોય તે આપણે સહજ રીતે માની શકીએ. કારણ કે ક્ષત્રીયોમાં વંશ અને કુળ હોય છે અને બ્રાહ્મણોમાં ગોત્ર અને પ્રવર હોય છે. મહાત્માઓમાં ગુરુપરંપરા હોય છે. વાણિયાઓમાં શું હોય છે તે ખબર નથી. હા વીસા, સોળા, દશા, સ્થાનકવાસી, શ્વેતાંબર … એવું હોય છે ખરું. પણ વૈષ્ણવોમાં શું હોય છે તે ખબર નથી. એ જે હોય તે. આપણે વિષયાંતર નહીં કરીએ. મૂળ વાત પર આવીએ.

જો તમે બ્રાહ્મણ હો તો તમારી પાસે આટલી માહિતિ હોવી જોઇએ.

ગોત્રઃ આદિ ઋષિઓ દશ હતા જેમકે ભૃગુ, ગૌતમ, ભારદ્વાજ … 

પ્રવરઃ જે તે ગોત્રમાં જન્મેલા જે તે મહર્ષિઓથી શરુ થતી વંશાવળી

વેદઃ ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ

શાખાઃ જે ઋષિઓએ ગુરુકુલો સ્થાપ્યાં હતા અને તેમની અમુક પ્રણાલીઓ હતી. જેમકે માધ્યંદની, કૌથમી, આશ્વલાયની, સાંખ્યાયની,… તેમના શિષ્યો અને તેમના વંશજો તે શાખાના નામથી ઓળખાયા. આને આપણે સંગીતમાં આવતા “ઘરાના” સાથે સરખાવી શકીએ.

કુળદેવીઃ દરેક વ્યક્તિને પોતાનાં કુળની દેવી હોય છે. જેમકે ભવાની, આશાપુરી, ચામુંડા, ક્ષેમપ્રદા, ઉમાદેવી,…

શિવઃ દરેક હિન્દુને પોતાના વિશેષ શિવ હોય છે. જેમકે નીલકંઠ, વૈજનાથ, સોમેશ્વર, શંકર, વટેશ્વર, વૃષભધ્વજ…

ગણેશઃ દરેક હિન્દુને પોતાના ગણેશ હોય છે. વિનાયક, લંબોદર, મહોદર, વિઘ્નવિનાયક, એકદંત …

ભૈરવઃ દરેક હિન્દુને પોતાના ભૈરવ હોય છે. કાળ, અસિતાંગ, રૂરૂ, ભિષણ …

દરેક બ્રાહ્મણને પોતે જે ગામમાં હોય તેના પોતાના પૂર્વજોની માહિતિ તેણે રાખવી પડે છે. ઓછામાં ઓછી બાર પેઢી તો યાદ રાખવી જ પડે છે.

દા.ત.

શિરીષ, મોહનલાલ, મહાશંકર, હરિશંકર,લીંબાશંકર, લેપજી, ત્ર્યંબકેશ્વર, વૈજનાથ, ભવાનીદત્ત, રુદેરામ, દવેશ્વર, ગોવર્ધન,

 ગોત્ર = ભાર્ગવ,

પ્રવર = ભાર્ગવ

વેદ = ઋગ્વેદ

શાખા = સાંખ્યાયની

કુળદેવી = આશાપુરી

શિવ = નીલકંઠ

ગણપતિ = ઢુંઢીરાજ

ભૈરવ = અસીતાંગ

રા.ગા. ભાઈ, જો તે ખરા બ્રાહ્મણ હોય તો પોતાની આવી વિગત તેમણે આપવી જોઇએ. જેઓ વિખ્યાત છે તેમણે તો ખાસ.

શે.ગુ. ભાઈ માને છે કે રા.ગા. ભાઈ પ્રશંસાને લાયક છે.

રા.ગા. ભાઈએ પોતાના હિન્દુત્ત્વને જે રીતે ઉજાગર કર્યું છે, તે તેમનો, બીજેપીને ફસાવવાનો ચક્રવ્યુહ છે. તેઓ એમ પણ માને છે કે આ રસપ્રદ છે પણ રા.ગા.ભાઈથી તેમના લેફ્ટીસ્ટ કે જેમને તેઓ ઉદારમતવાદી કહે છે તેઓ નારાજ છે.

આપણી મૂળ વાત હતી ડીબીભાઈની.

વાત એ હતી કે લોક રક્ષક દળની પરીક્ષાનું પેપર ફૂટ્યું છે. આ ઘટનાને કેવીરીતે ઇમોશનલ રીતે પ્રસિદ્ધિ આપીને બીજેપીની સરકારને સંડોવવી. ડી.બી. ભાઈ કૃતનિશ્ચયી હતા કે આ અમૂલ્ય લાહવો અને તક છે.

“લોભ રક્ષક” …. “ઠેર ઠેર હજારો પરીક્ષાર્થીઓનો ઉપદ્રવ”, “ચક્કાજામ”,  “મારપીટ”, “વિકાસ નિઃસહાય”, “દરેક પરીક્ષાર્થીને રૂપીયા ૭૦૦ નો ખર્ચ”, “સરકાર ફેઈલ”, “સરકાર ફુલ્લી ફેઈલ”, “૯ લાખ પરીક્ષાર્થીઓ સાથે દગો”, “નવલાખ પરીક્ષાર્થીઓના નિસાસા”, “દિલ્લીના ઠગોએ નવલાખ ગુજરાતીઓને લૂંટી લીધા”, “રૂપાણી રાજીનામું આપે”, “સીએમના બંગલાની બાજુના બંગલાના એમએલએના ભાડે આપેલા મકાનમાં થી પેપર લીક”, ”સરકારની આબરુ લીક”,  …”

બાપલા જે શબ્દો હાથવગા હોય તે મોટી મસ્સ શિર્ષ રેખાઓ બનાવવામાં વાપરી નાખો. અક્ષરો મોટામાં મોટા રાખો એટલે માહિતિ ગુપાવવી હશે કે ઓછી હશે તો વાંધો નહીં આવે. ત્રણ દિવસ સુધી કે જ્યાં સુધી ટોપીક ગરમ રહે ત્યાં સુધી દીધે રાખો.

બીજા સમાચાર ને કોણ પૂછે છે?

“દુબઈથી બ્રીટનનો નાગરિક ક્રીસ્ટીન મીશેલ, ભારતને અર્પણ કરવામાં આપ્યો. અને હવે ઓગસ્ટાવેસ્ટલેન્ડ ની કટકી જે ખાધાનો કોંગી ઉપર આરોપ છે તેની તપાસ ઝડપી બનશે … વિગેરે સમાચાર તમને ડીબીભાઈના છાપામાં ગોત્યા નહીં જડે. કદાચ ક્યાંક અંદરના પાને ખૂણામાં હોય તો કહેવાય નહીં.

ભાઈ. આમાં તો એવું છે ને કે મોદી જે વિદેશોમાં દોડા દોડ કરે છે અને તે માટે આપણે તેને વગોવીએ છીએ, તો હવે જો મોદીની દોડા દોડ, ફળદાઈ બને તો આપણી ટીકાઓની કિંમત શું?

વાડ્રા કે રા.ગા.-સોનિયાની ઇન્કમની ફેરતપાસણીને ન્યાયાલયની મંજુરી, વિષે પણ એવું જ સમજવું.

એક વાર મોદી સાહેબે કહેલું કે સરકારી વર્ગ ત્રીજા માટેની ભરતી માટે કોઈ પરીક્ષા લેવામાં નહીં આવે. તો પછી આ લોક રક્ષકની પરીક્ષા આવી ક્યાંથી?

આ બાબતનો કોઈ પ્રશ્ન નથી તો ચર્ચા તો હોય જ ક્યાંથી?

પરીક્ષા માત્ર લાગવગ ચલાવવા માટે હોય છે. પેપર તપાસનાર પાસે ઢગલો ભલામણ આવતી હોય છે. જી.આર.ઈ. જેવી નેશનલ કોંપીટીશન જેવી પરીક્ષાના પેપર આપણા ભારતીયો ફોડી શકતા હોયસ તો લોક રક્ષક જેવી રાજ્ય પૂરતી મર્યાદિત પરીક્ષાનું પેપર ફૂટે તેની નવાઈ નથી. બીજ રાજ્યોમાં પણ ઢગલા બંધ પેપરો ફૂટે છે. પણ તેની ઉપર કાગારોળ થતી નથી. અને પરીક્ષા રદ પણ થતી નથી કે તપાસ પણ થતી નથી. એટલે “પેપર ફૂટ્યું” એ સમાચાર જ બનતા નથી. પછી પેપર રદ થવાની તો વાત જ ક્યાં થી ઉદભવે? અરે દશમા બારમાની પરીક્ષા વખતે ચાર માળના મકાનની બારીઓ ઉપર ઉભા રહીને પરીક્ષાર્થીઓના હિતેચ્છુઓ કોપી કરાવે અને નીચે પોલીસ ઉભી હોય તો પણ તે કંઈ કરે નહીં અને તેના ધ્યાન ઉપર આ વાત લાવવામાં આવે તો તે એમ કહે કે “મારું કામ તો તોફાન ન થાય એ જ જોવાનું છે”.

દશમા બારમાની પરીક્ષા શું ઓછા મહત્વ ની છે? ડીબીભાઈ મૌન રહેશે!! કાગારોળ તો નહીં જ કરે. કારણ કે ભારતમાં ફક્ત ગુજરાતનો જ સમાવેશ થાય છે.

ચોરી કરવી એ ગુનો નથી. ચોરી કરીને પકડાઈ જવું એ પણ ગુનો નથી. પણ ચોરી કરી હોય અને ન્યાયાલય સજા કરે તો જ ગુનો બને છે.

પેપર ફૂટે એ વાત કોઈ નવી નથી. ફૂટવાની ક્રિયા ખાનગીમાં થાય. પણ ગુજરાત સરકાર કોઈપણ રીતે “પેપર ફૂટવાની કોઈ એક કડીને પકડે” અને તેની તપાસ કરાવે, એ જ ગુજરાત સરકારની નિસ્ફળતા છે. આવું આપણા ડીબી ભાઈ માને છે અને વાચકોએ પણ આમ જ માનવું જોઇએ.

સાલું … આ તો નવલાખ પરીક્ષાર્થીઓનો સવાલ છે. કોઈ પરીક્ષાર્થી જીલ્લા હેડક્વાર્ટરમાં રહેતા ન હતા. બધા જીલ્લા મથકની જ બહાર રહેતા હતા. ટેક્ષી કરીને આવ્યા હશે. એટલે તો દરેક પરીક્ષાર્થીને ૭૦૦ રુપીયાનો ખર્ચો થયો. આપણાથી મૂંગા કેમ રહેવાય?

પરીક્ષાનું પેપર ફૂટ્યું. તેમાં સડયંત્ર હતું. તે સડયંત્ર ગુજરાતની બહાર હતું. પણ ગુજરાતે પકડ્યું એટલે સરકાર એનો લાભ ખાટી જવી ન જોઇએ એ આપણો મુદ્રલેખ છે.

ડીબીભાઈ જાહેર કર્યું કે હવે અમે પરીક્ષા લઈશું અને સરકાર અને તેના ખાતાઓ સહિતના બધા સંડાવાયેલાઓને માર્ક્સ આપીશું.

તપાસ સમિતિ તો તપાસ કરી રહી છે. હજી તો તપાસની શરુઆત છે. એટલે કે હજી તો પેપરની ઉત્તરવાહીઓ લખાઈ રહી છે અને ડીબીભાઈએ તો માર્ક્સ આપવાનું ચાલુ કરી દીધું છે. પેપર સો માર્કસનું છે. સંડોવણી દશની કરવી પડશે. દરેક વિભાગને દશમાં થી માર્ક આપો. ભલે સરકારી તપાસ ચાલુ હોય, પેપરની ઉત્તરવાહીઓ લખવાની હજુ તો શરુઆત છે. કોણ કેટલું સંડોવાયેલું છે તેની તો આપણને ખબર પણ નથી. પણ બાપલા આપણે જે પેપરની આન્સરબુક હજી લખાઈ નથી તેના માર્ક્સ આપવાનું ચાલુ કરી દો. હા ભાઈ આ તો ડીબીભાઈએ પ્રયોજેલી પરીક્ષા છે. એ તો એવીજ હોય ને? કોને પાસ કરવા અને કોને પાસ ન કરવા એ તો આપણે સુનિશ્ચિત રીતે પૂર્વ નિશ્ચિત કરી દીધું છે. એટલે પરીક્ષાના આન્સર પેપર લખાયા છે કે નહીં તે મહત્વનું છે જ ક્યાં?

બધી સંસ્થાઓને પરીક્ષા લેવાનો શોખ હોય છે અને તેમાં પણ સરકારી સંસ્થઓને તો ખાસ. ચોથા વર્ગની ભરતી માટે પણ રેલ્વે ખાતું પરીક્ષા લે છે. ગુજરાતની ભરતીઓની જાહેર ખબર ગુજરાતના છાપાં આવે કે ન આવે પણ બિહાર અને યુપીમાંના છાપાંઓમાં તો અચૂક આવે. અને ગુજરતના રેલ્વે ડીવીઝનના શહેરોના સ્ટેશનો ઉત્તરભાઈઓથી ઓવરફ્લો થાય.

શું કામ? ભાઈ પરીક્ષા લેનારા તો એ જ હોય છે ને.

પેપર ફૂટે અને પરીક્ષા રદ થાય, તેમાં અનીતિ કે ગુનો કે પરીક્ષામાં કોપીઓ થાય અને પેપર તપાસવામાં લાગવગ થાય તેમાં વધુ અનીતિ કે ગુનો?

અરે ભાઈ ગુજરાતને વગોવવું, અને તે પણ જ્યારે, ગુજરાતમાં બીજેપી સરકાર હોય ત્યારે તો, ખાસ જ અમારો મહામાનવોનો ધર્મ બની જાય છે કે ગુજરાતને વગોવો.

મધ્યપ્રદેશનું મતદાન થયા પછી જો સેન્સેક્સ હજાર અંક ઉછળે તો અમે તેને બીજેપીની જીતની શક્યતા સાથે સાંકળીશું નહીં. પણ રાજસ્થાન અને તેલંગણાના પ્રચાર પડઘમ શાંત થાય અને સેન્સેક્સ ૫૦૦ અંક ડાઉન જાય, ભલેને પછી મતદાન જ બાકી હોય અમે તે “૫૦૦ ડાઉન”ને બીજેપીની હારનો સૂચકાંક ગણાવીશું.

વેપાર વૃદ્ધિ એ પ્રગતિની નિશાની ખરી કે નહી? તો પછી ૨૦૦૪માં જ્યારે કોંગી આવી ત્યારે શેર માર્કેટ ધ્વસ્ત થઈને સેન્સેક્સે એનએસસીનો સૂચકાંક કેમ લઈ લીધેલો? અને એનએસસીનો સૂચકાંક ત્રણ ડીજીટામાં કેમ આવી ગયેલો?

ભારતની સામાન્ય જનતા બધું જ જાણે છે. હજાર ડીબીભાઈઓ, કે હરિભાઈઓ, ભગતભાઈઓ કે શે.ગુ.ભાઈઓ કે પ્રકાશભાઈઓ ભેગા થાય અને લખવામાં ગમે તેટલી બીજેપીની કે નરેન્દ્ર મોદીની બુરાઈઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કરે, જનતા તો સત્ય અને અસત્યનો વિવેક પારખી જ લે છે. હવે નહેરુ કે ઈન્દિરાનો જમાનો નથી કે તમે સત્યને ઢાંકી શકો. હવે તો સોસીયલ મીડીયા પણ પટમાં આવી ગયું છે.

શિરીષ મોહનલાલ દવે

Read Full Post »