Feeds:
Posts
Comments

Posts Tagged ‘૧૫મી ઑગષ્ટ ૧૯૪૭’

“શું ભારત સાચેસાચ સ્વતંત્ર થયું છે?” એક વિતંડાવાદ

“શું ભારત સાચેસાચ સ્વતંત્ર થયું છે?” નો એક વિતંડાવાદ

જેઓ સોસીયલ મીડીયા ઉપર સક્રિય છે તેઓ જાણતા હશે કે ભારતે મેળવેલી સ્વતંત્રતા બાબતમાં ઘણા લોકો ગંભીર રીતે શંકા ધરાવે છે. શરુઆતમાં આપણે તેને અવગણીએ તે ઠીક હતું. પણ પછી જોવામાં આવ્યું કે જેઓ ઠીક ઠીક જાણકારી, બીજા વિષયોમાં પણ ધરાવતા હતા તેઓ પણ આ વિષયમાં ભાગ લેવા માંડ્યા. એટલે મારા જેવા કેટલાક લોકોએ ઉત્તર આપવાનું શરુ કર્યું. પણ એવું જોવામાં આવ્યું કે તેમને આપણો ઉત્તર સમજવામાં રસ ન હતો.

આ વિષયની ચર્ચામાં રસ લેનારાઓમાં મોટા ભાગના એવા હતા કે જેઓ પૂર્વગ્રહથી પીડિત હતા અને તેમની માન્યતા છોડવા તૈયાર જ ન હતા. અને આ માન્યતાના લીસ્ટમાં તેઓની માન્યતાઓ નીચે પ્રમાણે હતી.

ભારતના ભાગલાઓ માટે ગાંધીજી જવાબદાર હતા.

હિન્દુ-મુસ્લિમ હુલ્લડોમાં ગાંધીજી મુસ્લિમોના પક્ષમાં રહેતા હતા અને જ્યાં મુસ્લિમો વધુ પ્રમાણમાં મરાયા હતા ત્યાં તેઓ દોડી જતા હતા. મુસ્લિમ તૂષ્ટીકરણની નીતિના જન્મદાતા ગાંધીજી હતા, આનું મુખ્ય કારણ તેઓએ દક્ષિણ આફ્રિકામાં મુસ્લિમ વેપારીનો કેસ લડ્યા તે હતું.

ગાંધીએ બોઅર યુદ્ધમાં અંગ્રેજોનો પક્ષ લીધો હતો.

ગાંધીએ ખિલાફત આંદોલનમાં ધર્માંધ મુસ્લિમોનો પક્ષ લીધો હતો.

મોપલાઓએ હિન્દુઓની જે કત્લેઆમ કરી હતી તે કત્લેઆમને ગાંધીએ અનુમોદન આપ્યું હતું.

ગાંધીએ ભગતસિંહને બચાવવા કશું કર્યું ન હતું,

જલીયાવાલા બાગમાં અંગ્રેજોએ કરેલી કતલમાં ગાંધીએ જનરલ ડાયરનો પક્ષ લીધો હતો

પાકિસ્તાનને ૫૫ કરોડ અપાવવા માટે તેઓ આમરણાંત ઉપવાસ ઉપર ઉતરેલ, પણ ભારતના ભાગલા પડતા અટકાવવા માટે તેઓ આમરણાંત ઉપવાસ ઉપર ઉતર્યા ન હતા.

ગોડસે એક મહાન વ્યક્તિ હતો અને તે પરમ દેશભક્ત હતો. તેણે ગાંધીનો વધ કર્યો તે યોગ્ય જ હતું. તેણે કોર્ટમાં જે નિવેદન આપેલ તેને સરકારે જાહેર કર્યું નથી તે જ બતાવે છે કે સરકાર સત્યને છૂપાવવા માગે છે. ચલણી નોટો ઉપર ગાંધીને બદલે ગોડસેનું ચિત્ર હોવું જોઇએ. ખરો શહીદ તો ગોડસે જ હતો.

ગાંધી સાઉથ આફ્રિકામાં નિસ્ફળ નીવડ્યા હતા એટલે ભારત પરત થયા હતા.

ગાંધી અંગ્રેજ સરકારના એજન્ટ હતા,

ગાંધી એક ઐયાશી વ્યક્તિ હતા. ગાંધી દુરાચારી હતા. તેઓ ભીન્ન ભીન્ન સ્ત્રીઓને સહશયન માટે ફરજ પાડતા હતા.

ગાંધીએ હિન્દુ નિરાશ્રિતોને કહેલ કે તમારે તમારી મા-દિકરી-બહેનોને મુસ્લિમોને હવાલે કરી દેવી જોઇતી હતી. આ જ તમારો ધર્મ હતો.

આવી તો અનેક વાતો ગાંધી-ફોબીયાથી પીડિત લોકો લખતા. આપણે આ બધી જ વાતોનું તર્ક પૂર્વક ખંડન કરીએ તો પણ તેઓ સમજવા તૈયાર જ ન હ્તા. એટલું જ નહીં મોટા ભાગના તો વાંચતા જ નહીં અને અદ્ધર અદ્ધર રીતે આપણા તર્ક નકારી કાઢતા હતા. આ બધા જ ગાંધી-ફોબિયા પીડિત જ નહીં મુસ્લિમ-વિરોધી-ફોબિયાથી પણ પીડિત લોકો હતા.

આમાંના કેટલાકના વિષયો એ પણ હતા કે

ભારતને આઝાદી મળી જ નથી. હજુ પણ તે અંગ્રેજોનું ગુલામ છે. આ માટેની તેમની દલિલો નીચે પ્રમાણે છે.

INDIA FIRST

INDIA FIRST

(૧) ૧૫મી ઑગષ્ટે જે થયું તે “સત્તાનું હસ્તાંતરણ (ટ્રાન્સ્ફર ઑફ પાવર) થયું છે.

(૨) આ દસ્તાવેજ કદી બહાર પાડવામાં આવ્યો નથી.

સત્તાના હસ્તાંતરણને સ્વતંત્રતા ન કહેવાય,

(૩) કોમનવેલ્થ રાષ્ટ્રોની પ્રમુખ કાયમ માટે બ્રીટનની રાણી (બ્રીટીશ ક્રાઉન) છે. ભારતે બ્રીટનની રાણીને ખંડણી આપવી પડે છે.

(૪) ગવર્નમેન્ટ ઑફ ઈન્ડીયા એક્ટ ૧૯૩૫, આ જે પણ લાગુ છે.

(૫) આપણને જે સત્તા મળી છે તે ૯૯ વર્ષના પટ્ટે મળી છે.

૯૯ વર્ષ પછી આપણે ભારતની સત્તા બ્રીટનને પાછી સોંપી દેવી પડશે. એટલે આવા કરારને સ્વતંત્રતા કહેવાય જ નહીં.

(૬) બ્રીટનની રાણીને ૨૧ તોપોની સલામી અપાય છે. બ્રીટનની રાણીને ભારતનો વિસા લેવાની જરુરત પડતી નથી.

(૭) નાગરિક કાયદાનો હવાલો આપી એવું તારણ કરવામાં આવે છે કે આપણે ભારતીય બંધારણને હિસાબે પણ ગુલામ જ છીએ.

(૮) આ બધામાં વળી એક રાજીવ દિક્ષિતનો વીડીયો સામેલ કરવામાં આવ્યો છે જેમાં રાજીવ દિક્ષિત “ટ્રાન્સ્ફર ઑફ પાવર”નું પોતાનું અર્થ ઘટન કરતા બતાવ્યા છે.

આ બધા ઉભી કરેલી માન્યતાઓનું આપણે તર્કશુદ્ધ રીતે ખંડન કરીએ તો પણ આ વિવાદો ચાલુ રાખવામાં આવે છે.

સોસીયલ મીડીયામાં આ વિવાદો ત્રણચાર વરસોથી ચાલે છે. આ વિવાદોની સ્થિતિ “ગાંધી-ફોબિયા પીડિત” જ છે. એટલે કે તમારા ઉત્તરો ઉપર, કોઈ ચર્ચા કરવા તૈયાર થતા નથી. આ બધું આપણે અટકાવી શકતા નથી. કારણ કે લોકશાહીમાં વાણીસ્વાતંત્ર્યમાં બધાને પોતાના તર્કહીન  વિચારો વ્યક્ત કરવાનો હક્ક છે. આપણા તર્કશુદ્ધ વિચારો માન્ય રાખવા કે ન રાખવા તે તેની મુનસફ્ફીની વાત છે.

આવી સ્થિતિ હોય ત્યારે આપણે અમુક હદ પછી તેવા લોકોની માન્યતાઓ ઉપર પ્રતિભાવ આપવાનું બંધ કરીએ તે સ્વાભાવિક છે.

ડીબી (દિવ્યભાસ્કર)માં પણ અમુક કટારીયા લેખકોને બાદ કરતાં બાકીના બધા કટારીયા લેખકો કદાચ સમાચારપત્રના એજન્ડા પ્રમાણે લખતા હોય તેમ તેઓની બહુમતિ હોવાને નાતે આપણે માની શકીએ.

પણ જે લેખકો પોતાની તર્કશુદ્ધતા જાળવી રાખે છે તેમને વિષે આપણે એવું કહી ન શકીએ કે તેઓ વર્તમાનપત્રના એજન્ડા પ્રમાણે લખતા હશે. આવા લેખકોમાં ડૉ. ગુણવંત શાહ, વિનોદ ભટ્ટ, મધુરાય, નગીનભાઈ સંઘવી અને સંજયભાઈ વોરાનો સમાવેશ અચૂક કરી શકીએ. કાન્તિભાઈ ભટ્ટ પણ જો નરેન્દ્ર મોદીને ન સ્પર્શે ત્યાં સુધી માહિતિ-પૂર્ણ લખે છે. રોજ કટાર લખવી એ ઘણું અઘરું હોય છે. તો પણ ન છૂટકે આ બાબતની આપણે અવારનવાર ટીકા કરી છે. પણ જવા દો.  દરેકને પોતાના વિચારો, પોતાનું મન અને પોતાના ગમા-અણગમા હોય છે.

સંજયભાઈ વોરા ડીબીમાં રોજ લખે છે. અને દરેક લેખ માહિતિપૂર્ણ હોય છે. અને તર્કશુદ્ધ પણ હોય છે. નાની નાની વાતો મિસ-ફાયર થાય તો તેને ક્ષમ્ય ગણવું જ જોઇએ. પણ સંજય ભાઈ વોરાએ જ્યારે “શું આપણે સાચેચાચ સ્વતંત્ર થયા છીએ તે વિષય ઉપર પ્રશ્નચિન્હ લગાવ્યું ત્યારે તેની ગંભીરતાને સમજવી પડે. તેમના મુદ્દાઓમાં કેટલાક બ્રીટીશ નાગરિકતા વાળા સનદી અધિકારીઓ સેવામાં ચાલુ રહ્યા, અને તે પણ ભારતીય રાજબંધારણ અમલમાં આવ્યું તે પછી પણ ચાલુ રહ્યા તે, અને તેને સમકક્ષ બીજા મુદ્દાઓ, નવા મુદ્દા તરીકે જાણવા મળ્યા.

“ટ્રાન્સ્ફર ઑફ પાવર” એગ્રીમેન્ટ

આ કરારનું અર્થઘટન એવું કરવામાં આવ્યું કે “ટ્રાન્સ્ફર ઑફ પાવર એ “સ્વતંત્રતા” નથી. એક ની જગ્યાએ બીજો આવ્યો. તેમાં સ્વતંત્રતા ક્યાં આવી?

ચૂંટણીના પરિણામો પછી એક વ્યક્તિને બદલે બીજી વ્યક્તિ સત્તા સંભાળે છે. જેમકે એક વ્યક્તિ વડાપ્રધાન છે. ચૂંટણી પછી નવો પક્ષ બહુમતિ મેળવે તો તેનો નેતા દેશનું વડાપ્રધાન પદ સંભાળે છે. “ટ્રાન્સ્ફર ઑફ પાવર” તેના જેવું છે.

આપણે સમજવું જોઇએ કે “ટ્રાન્સ્ફર ઑફ પાવર” અને “ટ્રાન્સ્ફર ઑફ ચાર્જ” એ બંને ભીન્ન ભીન્ન છે. અ બંને સમાનાર્થી શબ્દો નથી. એક વ્યક્તિ કે જે વડા પ્રધાન છે તેની પાસેથી નવી વ્યક્તિ વડાપ્રધાન પદ લે, તેને ટ્રાન્સ્ફર ઑફ ચાર્જ કહેવાય. આમાં કોઈ એગ્રીમેન્ટ થતું નથી. જે કંઈ થયું તે બંધારણ અનુસાર થાય છે. સરકારી અધિકારીઓની બદલી થાય ત્યારે તેઓ પોતાનો ચાર્જ બીજા અધિકારીને આપે છે. તેને એકે “ચાર્જ લીધો” અને બીજાએ “ચાર્જ આપ્યો” એમ કહેવાય છે ગણાય છે. પ્રધાનો પાસે દસ્તાવેજોનો ચાર્જ હોતો નથી. સચિવો અને મૂખ્ય સચિવ બધો ચાર્જ રાખે છે. દરેક ફાઈલની હેરફેર નોંધાતી હોય છે. અંગત સ્ટાફ ની ફાઈલ મંત્રીશ્રી પોતાની પાસે કે પોતાના અંગત સચિવ (રહ્સ્ય સચિવ) પાસે રાખે છે.

સત્તાની ફેરબદલીની રીતો

સત્તાની ફેરબદલી બે રીતે થાય છે. એક છે બળપૂર્વક થતી સત્તાની ફેરબદલી. અને બીજી છે પરસ્પર સમજુતીથી થતી સત્તાની ફેર બદલી. ૧૮૫૭માં થયેલા સ્વાતંત્ર્યતાના સંગ્રામમાં જો ભારતનો વિજય થયો હોત તો, “ટ્રાન્સ્ફર ઑફ પાવર”ના એગ્રીમેન્ટની જરુર પડી ન હોત. પૂર્વપાકિસ્તાન અને પશ્ચિમ પાકિસ્તાન વચ્ચેના યુદ્ધમાં બંગ્લાદેશનું સર્જન થયું તેમાં “ટ્રાન્સ્ફ્રર ઑફ પાવર”ના એગ્રીમેન્ટની જરુર પડી નથી.

બળપૂર્વક થતા સત્તાના હસ્તાંસ્તરણમાં નવી સત્તાએ જુના કાયદાઓ માનવા સિવાય છૂટકો હોતો નથી, સિવાય કે પોતાના કાયદાઓ હયાત હોય.  જુના વખતમાં ન્યાયધીશો કે રાજા કે રાજાદ્વારા સ્થપિત વ્યક્તિઓ, રાજકારભારના અને ફરિયાદોને લગતા નિર્ણયો લેતા. તેમને કોઈ નિયમો નડતા ન હતા. તે પોતાની મુનસફ્ફી પ્રમાણે કે શુદ્ધબુદ્ધિથી નિર્ણયો લેતા.

જ્યારે ભારતને ૧૫મી ઑગષ્ટે “સ્વતંત્રતા” મળી ત્યારે ભારતનું બંધારણ અસ્તિત્વમાં ન હતું. ભારતમાં સર્વોચ્ચ સત્તા વાઈસરોય પાસે હતી. વાઈસરોય ઉપર બ્રીટનની પ્રણાલીઓ દ્વારા સ્થપાયેલ બંધારણ અને ઈન્ડીયન ગવર્નમેન્ટ એક્ટ નું બંધન રહેતું. ભારત સ્વતંત્ર થયું એટલે કામચલાઉ વ્યવસ્થા વડાપ્રધાન અને ગવર્નર જનરલની થઈ. બ્રીટનની પાર્લામેન્ટે પસાર કરેલા “ઈન્ડીયન ઈન્ડીપેન્ડન્સ એક્ટ” ના આધારે આ નક્કી થયું હતું. જ્યાં સુધી ભારતનું પોતાનું બંધારણ તૈયાર ન થાય ત્યાં સુધી, ભારતની સંસદ જે કંઈ પણ વહીવટી કાયદાઓ પસાર કરે તેને માટે બ્રીટનના ક્રાઉનની મંજુરી લેવી જરુરી હતી. એટલે કે ભારતની સંસદ એ બ્રીટનની સંસદને સમકક્ષ હતી. પાકિસ્તાનની પણ આ જ સ્થિતિ હતી.

સ્વાતંત્ર્ય મળ્યા પૂર્વે અખંડ ભારતમા ચૂંટણીઓ થઈ હતી. ચૂંટાએલી સરકારો/મંડળો બ્રીટીશ એજન્સીના પ્રત્યક્ષ વહીવટ હેઠળના પ્રદેશો ઉપર રાજ કરતી હતી. આને “સ્થાનિક સ્વરાજ્ય” કહેવાતું હતું. પણ આ બધા વાઈસરોયના તાબામાં એટલે કે બ્રીટીશ ક્રાઉનના તાબામાં હતા. ૧૫ ઑગષ્ટે સ્વરાજ્ય મળ્યું એટલે ભારતને કેન્દ્રમાં “ઈન્ડીયન ઈન્ડીપેન્ડન્સ એક્ટ” અને “ગવર્નમેન્ટ ઈન્ડિયા એક્ટ”ની મર્યાદા હેઠળ સત્તા મળી.

રાજાઓની સત્તાઓ તેમની પાસે રહી પણ તેમણે જનતાની ઈચ્છા અનુસાર “પાકિસ્તાન સાથે જોડાવું“, કે “ભારત સાથે જોડાવું” કે “સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે રહેવું” તે નક્કી કરવાનું હતું. “જનતાની ઈચ્છા” જાણવાની પ્રક્રિયાને “પ્લેબીસાઈટ” કહેવામાં આવી હતી. આ કામ કેન્દ્ર સરકારની નિગરાનીમાં કરવાનું હતું જેથી જનતાની સાચી ઈચ્છા જાણી શકાય. આ પ્રમાણે જે મોટા રાજ્યો હતા તેમના પ્રાંત અલગ હતા. પણ આ બધા જ અંતે તો “બ્રીટીશ ક્રાઉન”ના તાબામાં હતા. એટલે ૧૫ ઑગષ્ટ “ઈન્ડીયન ઈન્ડીપેન્ડન્સ એક્ટ” ની અંતર્ગત રહેલ “ઈન્ડીપેન્ડન્સ” શબ્દની રુએ, “ઈન્ડીપેન્ડન્સ ડે” ગણાયો. જેમાં બધા જ સત્તાધારી પદો ઉપર ભારતીયો  આવ્યા.

એક વાત સમજવાની છે કે “ઈન્ડિયન સીવીલ સર્વીસ”ની પરીક્ષા બ્રીટીશ સરકાર લેતી હતી અને સીવીલ સર્વીસ પ્રોવાઈડર બ્રીટીશ સરકાર હતી. એટલે તેની સર્વીસની શરતો બ્રીટને નક્કી કરી હતી. જે કોઈ આઈસીએસ અધિકારીઓ ભારતમાં રહ્યા તેઓ આ સર્વીસ કન્ડીશન્સની જોગવાઈને આધારે સ્વેચ્છાએ રહ્યા. બ્રીટીશ અફસરો ભારતમાં નોકરીએ ચાલુ રહ્યા તે કારણસર ભારત ગુલામ હતુ એમ ન કહી શકાય.

એક વાત સ્વિકારવી પડે કે ભારત જ્યાં સુધી પોતાનું સ્વતંત્ર બંધારણ અમલમાં ન લાવ્યું ત્યાં સુધી ભારતે સાર્વભૌમત્વ મેળવ્યું ન હતું. ભારતની સંસદ, લોકોએ ચૂંટેલી હતી અને તેના થકી ભારતનું બંધરણ ૧૯૫૦માં અમલમાં આવ્યું. આ ભારતીય બંધારણમાં નિર્દેશિત પ્રક્રિયા પ્રમાણે ચૂંટણીઓ થઈ.

કોમનવેલ્થ રાષ્ટ્રઓનું જુથ

કોમન વેલ્થ રાષ્ટ્રોના જુથમાં, જે રાષ્ટ્રો અગાઉ બ્રીટીશ ક્રાઉનના તાબામાં હતાં તે બધા રાષ્ટ્રોનો સમાવેશ થાય છે. બ્રીટન પોતે પણ બ્રીટીશ ક્રાઉનના તાબામાં હતું. કોમનવેલ્થ રાષ્ટ્રોના જુથના બંધારણમાં જ આવી જોગવાઈ છે અને તે સહજ છે કે તેનું પ્રમુખ પદ બ્રીટીશ ક્રાઉન પાસે રહે. આ બાબતમાં કોઈ રાષ્ટ્રે નાનમ અનુભવવાની જરુર નથી. વળી તમે એક સંસ્થા ચલાવો તો બધા સભ્યોએ ફાળો તો આપવો જ પડે પછી ભલે તે જી-૮ હોય કે જી-૨૪ હોય કે સાર્ક રાષ્ટ્રોની સંસ્થા હોય. આ ફાળાને આપણે ખંડણી તરીકે ખપાવી ન શકીએ.

બ્રીટનની રાણીને ૨૧ તોપોની સલામી.

જે બ્રીટને આપણને યુદ્ધ વિના શાંતિથી સ્વતંત્રતા આપી તેનું માન રાખવું એ આપણી કૃતજ્ઞતા દર્શાવે છે. આપણે ઇતિહાસનો નાશ કરી શકતા નથી. બ્રીટનની રાણીને ૨૧ તોપોની સલામી આપવાથી આપણે ગુલામ થઈ જતા નથી. કોઈપણ દેશ કોઈ મહાનુભાવ વ્યક્તિનું સન્માન કરી શકે છે. તેને નાગરિકતા પણ આપી શકે છે. ખાન અબ્દુલ ગફારખાનને ભારતરત્નનો ખિતાબ અપાયેલો છે. તો શું પાકિસ્તાન આપણો ગુલામ દેશ છે?

કોઈ એક વ્યક્તિને ભારતીય નાગરિકતા આપવાની કે નકારવાની સત્તા

આ મુદ્દો સોસીયલ મીડીયા ઉપર બહુ ચગાવવામાં આવેલ. સ્વાતંત્ર્યતા પૂર્વે કેટલીક વ્યક્તિઓ જુદા જુદા સંજોગોમાં અનન્ય પરિસ્થિતિમાં ભારતની બહાર હતી. નિશ્ચિત મુદતમાં ભારતમાં આવવા માટે અસમર્થ હતી. તેના ઉપર નિર્ણય લેવા સક્ષમ અધિકારીઓ હ્તા. અનુચ્છેદ ૬ માં આને લગતી જોગવાઈઓ છે. વિવરણ પણ છે. આ અનુચ્છેદને ફક્ત અને ફક્ત સાંકળીને કેટલાક લોકો રામભરોસે એવું અર્થઘટન કરતા કે ભારત સ્વતંત્ર થયું જ નથી. તેઓ કશું વિવરણ કે દાખલાઓ આપવામાં માનતા નહીં પણ જ્યારે તેમને પૂછવામાં આવતું કે તમે ભારતીય બંધારણની કલમ તો બતાવો અને તેનું અર્થઘટન કરીને તમારી વાત તો સમજાવો !! પણ તેઓ આવું કશું કરવામાં માનતા ન હતા.

૯૯ વર્ષના પટ્ટે ભારતનો વહીવટ કરવાની કરવાની સ્વતંત્રતા

આવી જોગવાઈ કઈ જગ્યાએ છે અને બંધારણમાં આને કઈ જગ્યાએ માન્યતા આપવામાં આવી છે તે કહેવા કોઈ તૈયાર નથી. કોઈક આપણને (આખે આખો)  “ઈન્ડીયન ઈન્ડીપેન્ડન્સ એક્ટ”નો હવાલો આપે છે. એટલે કે આપણા વિપક્ષીને સાચા ઠેરવવા માટે આપણે આખ્ખે આખ્ખો ઈન્ડીયન ઈન્ડીપેન્ડન્સ એક્ટ વાંચીને એ શોધી કાઢવાનું કે ભારતને ૯૯ વર્ષના પટ્ટે સ્વતંત્રતા મળી છે. એટલે કે અંધારા ઓરડામાં અસ્તિત્વ ન ધરાવતી કાળી બિલાડી આપણે શોધવાની.

ગુલામ રાષ્ટ્ર, સ્વતંત્ર રાષ્ટ્ર અને લોકશાહી રાષ્ટ્ર

આ ત્રણેના ભેદ સમજવા જેવા છે.

ગુલામ રાષ્ટ્ર એટલે બીજા રાષ્ટ્રનો વ્યક્તિ/વ્યક્તિ સમૂહ કે અધિકૃતવ્યક્તિ/અધિકૃતવ્યક્તિ સમૂહ આપણા રાષ્ટ્ર ઉપર શાસન કરતો હોય તો આપણું રાષ્ટ્ર ગુલામ કહેવાય. બ્રીટીશ યુગમાં આપણે ગુલામ હતા.

મોગલયુગમાં જ્યારે મોગલ રાજાઓએ આપણા દેશને પોતાનો દેશ ગણ્યો ત્યારે આપણે ગુલામ દેશ મટી ગયા.

ઈસ્વીસન પૂર્વેથી ઇસ્લામયુગસુધી  ભારત સ્વતંત્ર રાષ્ટ્ર હતું કારણ કે શાસકો ભારતીય હતા.

લોકશાહી એ એક સાપેક્ષ સુવ્યવસ્થા છે.

જ્યાં સત્ય ગમે તે સ્તરેથી આવતું હોય પણ જો તેને અસત્ય ઠેરવવું અશક્ય હોય અને તેનો આદર થતો હોય તો તેને લોકશાહી કહેવાય. પણ સત્ય વિવાદાસ્પદ હોય છે. શ્રેય પણ વિવાદાસ્પદ હોય છે. આ બંને સાપેક્ષ પણ હોય છે. આ માટે જે વ્યવસ્થામાં મૂક્ત ચર્ચા ઉપલબ્ધ હોય અને તે આદરણીય હોય તેને લોકશાહી વ્યવસ્થા કહેવાય. “રામરાજ્ય” ભલે એક રાજાશાહી વ્યવસ્થા હોય પણ ત્યાં સત્યનો આદર થતો હતો. એટલે તેને લોકશાહી કહી શકાય.

જો કે રાજાશાહી વ્યવસ્થામાં આશ્રિત લોકશાહી દીર્ઘજીવી હોતી નથી. કારણ કે તે વંશપરંપરાગત હોય છે. એક રાજા પછી તેનું સંતાન યોગ્યતા વગર જ શાસક બને છે. યોગ્યતા વગર બનેલી વ્યક્તિ લોકશાહીનું રક્ષણ કરી ન શકે. આ વિષે ભારતને વંશવાદી પક્ષોનો અને ખાસ કરીને નહેરુવંશી ઈન્દિરા ગાંધીનો ઠીક ઠીક અનુભવ છે.

ભારતની વાસ્તવિક પરિસ્થિતિ શું છે?

ભારત એક સાર્વભૌમત્વવાળું રાષ્ટ્ર છે. ભારતના રાજબંધારણમાં કોઈપણ એવી કલમ નથી કે જેમાં એમ કહેવામાં આવ્યું હોય કે આ વ્યવસ્થા ૯૯ વર્ષ માટે જ છે.

ભારતના રાજબંધારણમાં અનેક ફેરફાર સંશોધન થયા છે પણ આપણે ક્યારેય આ સંશોધનોને માન્યતા અપાવવા માટે બ્રીટીશ ક્રાઉન પાસે મોકલ્યા નથી. કારણકે આ માટે ભારતના રાજબંધારણમાં ક્યાંય લખ્યું નથી કે બ્રીટીશક્રાઉનની અનુમતિ જરુરી છે.

ભારતના રાજબંધારણમાં ક્યાંય એવી જોગવાઈ નથી કે આપણે, કોઈપણ એક સંશોધન માટે બ્રીટીશ ક્રાઉનની અનુમતિ લેવી અનિવાર્ય છે.

ભારતના રાજબંધારણમાં આપણે માનવીય મૂળભૂત હક્કો અને કુદરતી હક્કોની ઉપરવટ જઈને આ હક્કોને હાની થાય તેવા ફેરફાર કરી શકતા નથી. કારણ કે ભારતીય રાજબંધારણ એક લોકશાહી વ્યવસ્થા માટે રચાયેલું છે અને તેમાં સત્ય અને ભારતીય જનતા સર્વોપરી છે. .   

શિરીષ મોહનલાલ દવે

Read Full Post »