Feeds:
Posts
Comments

Posts Tagged ‘૧૯૬૨નું યુદ્ધ’

મૂર્ધન્યો દ્વારા થતું સામાજીક સાપેક્ષવાદનું ખૂન ભાગ-૨

હવે આપણે નરેન્દ્ર મોદી ઉપર થતા આક્ષેપો અને બીજાઓ ઉપર થતા આક્ષેપોની મૂલવણી કરીશું.

સામાન્ય રીતે આપણને  રાહુલ ગાંધી, કેજ્રીવાલ, સોનિયા ગાંધી, મમતા, લાલુ યાદવ વિગેરે સૌ કોઈ, નરેન્દ્ર મોદીની કડવી ટીકા કરતા જોવા મળે છે. મન મોહન સિંહ, અને નહેરુવીયન કોંગી નેતાઓ પણ આક્ષેપ બાજી અને ક્ડવી ટીકા કરતા જોવા મળે છે. આમ તો દરેક કડવી ટીકાને એક આક્ષેપ ગણી શકાય. જેમ કે કેટલાકે કહ્યું કે વિમુદ્રીકરણ પૂરતી તૈયારી વગર કર્યું છે. તો કેટલાકે કહ્યું કે વિમુદ્રીકરણ સૌથી મોટો ફ્રૉડ છે.

ફ્રૉડ એટલે શું?

તમે તમારા ફાયદા માટે ખોટું બોલ્યા. સામે નુકશાન થાય છે. તમને પણ ખબર છે કે તમે ખોટું બોલો છો. સામા માણસને કે જુથને ખબર નથી કે તમે ખોટું બોલો છોએ કે સાચું. તમારો ફાયદો, સામાવાળાના નુકશાનને કારણે છે. આને આપણે ઠગાઈ કહીએ છીએ. જો કે ઘણી વખત આ બધું સાબિત કરવું સહેલું હોતું નથી. નાણાંકીય નુકશાન, સંપત્તિમાં નુકશાન, દુઃખથી થતું નુકશાન, આબરુને થતું નુકશાન આવું બધું સાંકળીએ તો આવા ફ્રૉડની  વ્યાખ્યાને વિસ્તૃત કરી શકાય.

ધારો કે કોઈક ભાઈ કશુંક બોલ્યા. તે ખોટું હતું. તેનાથી જનસમુહને નુકશાન થયું. તેમણે વચન આપ્યું. કે તે નુકશાનને ભરપાઈ કરશે. પણ તેમની દાનત જ ન હતી. અને તેઓ ગુજરી ગયા. તેના ઉત્તરાધિકારીએ વાત જ ગુપચાવી દીધી. કેટલાક લોકો સમસમીને બેસી રહ્યા. કેટલાક ને થયું કે આમાં તો આવું જ ચાલે. કેટલાકને એવું લાગ્યું કે આમાં તો કંઈજ ન થઈ શકે. મોટા ભાગના તો નુકશાનને સમજી જ ન શક્યા.

આવી ઘટનાને ફ્રૉડ કહેવાય કે નહીં?

સંસદને આમ તો દેશ જ કહી શકાય. નહેરુએ તીબેટ ઉપર ચીનનું આધિપત્ય સ્વિકાર્યુ. ચીનના તીબેટ ઉપરના હક્ક માટેના કારણો ટકી શકે તેવા ન હતા. ચીનની દલીલ એમ હતી કે કોઈ એક સમયે  તીબેટ ઉપર ચીનના રાજાઓ રાજ કરતા હતા. જો કે આ કારણને લીધે તીબેટ, ચીનના આધિપત્યને સ્વિકારવા તૈયાર ન હતું. આમ જોવા જાઓ તો ભારતીય રાજાઓ ઇરાન સુધી ઈશુની પહેલી શતાબ્દી સુધી રાજ કરતા હતા. પણ ભારત ઈરાન ઉપર કે અફઘાનીસ્તાન ઉપર દાવો કરતું નથી. નહેરુને આ દલીલની ખબર તો હોવી જ જોઇએ. પણ નહેરુએ ચીનનું તીબેટ ઉપર નું આધિપત્ય માન્ય રાખ્યું અને તીબેટ ઉપર ચીને આસાનીથી કબજો કરી લીધો. આ કબજો લીધા પછી ચીને ભારતીય વિસ્તારોમાં ઘુસણખોરી ચાલુ કરી દીધી. આચાર્ય કૃપલાણીએ અને મહાવીર ત્યાગી જેવાઓએ સંસદમાં અવાજ ઉઠાવ્યો. પણ નહેરુએ આ ઘુસણખોરીની વાતને જ નકારી દીધી. આ વાત બહુ લાંબી છે. પણ અંતે ચીને ભારતની ઉપર આક્ર્મણ કર્યું અને ૯૦૦૦૦ ચોરસ માઈલ કબ્જે કરી લીધો. જો કે ચીનનો દાવો તો તે વખતે ૭૨૦૦૦ ચોરસ માઈલ ઉપર જ હતો. પણ સ્પર્ધામાં દોડતો માણસ તેની ઝડપને ન રોકી શકવાને કારણે  દોડવાની સીમા રેખાથી, થોડા મીટર વધુ દોડીને અટકે તેમ ચીન પણ ૩૦ ટકા જેટલું વધુ આગળ દોડી ગયું. અને ૭૨૦૦૦ને બદલે ૯૦૦૦૦ ચોરસ માઈલ ભારતીય જમીન ઉપર કબજો મેળવી લીધો. જો કે તે તેણે નહેરુના માગ્યા વગર તત્કાલ પાછો આપી દીધો. વિનોબા ભાવેએ ચીનના આ વલણ બદલ વખાણ કર્યા હતા અને કહ્યું કે વિશ્વમાં પહેલી ઘટના છે કે જ્યાં યુદ્ધમાં એક પક્ષે કબ્જે કરેલી ભૂમિ કે જેની ઉપર પોતાનો દાવો ન હતો તે આપોઆપ ખાલી કરી દીધી.

નહેરુએ સંસદમાં પ્રતિજ્ઞા લીધી કે અમે ગુમાવેલો પ્રદેશ પાછો લીધા વગર જંપીને બેસીશું નહીં. નહેરુની આ પ્રતિજ્ઞા “આજની ઘડી અને કાલનો દિ” જેવી હતી. નહેરુનો રાજકીય હોદ્દાનો વારસો તેના ફરજંદોએ લીધો પણ નૈતિક ફરજનો વારસો તો તેમના ફરજંદોએ સાવ જ ગુપચાવી દીધો.

નહેરુએ કહ્યું દુશ્મને દગો કર્યો છે. (“દુશ્મન તો દગો જ કરે” રાજાજી બોલ્યા હતા). પણ અબુધ માણસ નહેરુનો આવો ભાષાનો પ્રપંચ સમજી ન શકે.

પચાસના દશકામાં ચીનમાં નહેરુનું ભવ્ય સ્વાગત થયેલ. એ લોકપ્રિયતાનો નહેરુએ ચૂંટણીઓમાં ભરપુર લાભ લીધેલ.

હવે આ ભારતના પરાજયની ઘટનાને અને ભારતની ચીન પ્રત્યેની નીતિને શુ કહેવું? આને ફ્રૉડ શું કામ ન કહેવાય? વિદ્વાનોએ કદી આનું વિશ્લેષણ કર્યું નથી. હવે જો આ જ વિદ્વાનો નહેરુવીયન કોંગ્રેસને તેની સ્વાતંત્ર્યની લડતનું શ્રેય આપવા માગતા હોય તો આ ફ્રૉડનો વારસો કેમ નહીં?

આવો જ સિમલા કરારનો વારસો છે. સિમલા કરારને ફ્રૉડ કહેવો કે સ્કૅમ કહેવો એ સંશોધનનો વિષય છે.

વિદ્વાનો એમ માને છે કે રાજકીય ફ્રૉડને ફ્રૉડ ન ગણવા.

આવી રાજકીય ઘટનાઓને રાજકીય ભૂલોમાં ખપાવવી. બહુ બહુ તો તેને મુર્ખામીઓમાં ખપાવવી.

જે નીતિઓમાં રાજકર્તાને અગાઉથી ચેતવવામાં આવ્યા હોય, રાજકર્તાએ આ ચેતવણીને જાણીજોઈને પોતાના રાજકીય સ્વાર્થ માટે અવગણી હોય, અને બધી કહેવાતી ભૂલો શુદ્ધ બુદ્ધિથી કરવામાં આવી હોય અને આવું એક થી વધુ વાર બન્યું હોય તો તેને ફ્રૉડ જ ગણાય.

ઇન્દિરાએ નહેરુનો, અનધિકૃત રાજકીય દાયજો લીધો પણ નહેરુના ઉપરોક્ત ફ્રૉડની ભરપાઈ નો વિચાર પણ ન કર્યો. એટલું જ નહીં પણ સિમલા કરાર હેઠળ ભારતના સૈન્યે કરેલા વિજયને સંપૂર્ણ પરાજ્યમાં ફેરવી દીધો. આ એક વધારાનો દેશ સામેનો ઇન્દિરાઈ ફ્રૉડ છે. યુનીયન કાર્બાઈડ સાથીનો કરાર ક્ષતિપૂર્ણ રાખવામાં આવેલો એટલે ભોપાલ ગેસ દુર્ઘટનામાં વળતર શૂન્ય બરાબર મળ્યું. અર્જુન સિંગ અને રાજીવ ગાંધી દ્વારા એન્ડરસનને ભાગી જવાનો રસ્તો કરી આપવો… આ બધી કોઈ મૂર્ખામીઓ ન હતી. ભ્રષ્ટાચારના મહાસાગરમાં જ રહેતી નહેરુવીયન કોંગ્રેસ જ્યારે કોઈ પણ આક્ષેપ બીજા ઉપર કરે ત્યારે જનતાએ અને વિદ્વાનોએ નહેરુવીયન કોંગ્રેસને તેના શાસન દરમિયાન કરેલા કરતૂતોની  પાર્શ્વ ભૂમિકામાં પણ જોવી જોઇએ.

 સોનિયા ગાંધી કે રાહુલ ગાંધી કે કોઇ પણ તેના પક્ષના નેતા કે તેના સાંસ્કૃતિક સાથી પક્ષના નેતા જ્યારે અદ્ધર અદ્ધર વાતોના વડા જેવા આક્ષેપો કરતા હોય ત્યારે તેના જવાબો આપવા જરુરી નથી. બનાવટી આક્ષેપો કરવા એ નહેરુવીયન કોંગ્રેસની પરંપરા છે.

સંજીવ રેડ્ડી ચારિત્ર્ય ભ્રષ્ટ હતા, મોરારજી દેસાઈ સીઆઈએના એજન્ટ હતા, વીપી સિઘનું સેન્ટ કીટ્સમાં (વિદેશી બેંકમાં) ખાતુ હતું, ૧૯૪૨ની લડતમાં અટલ બિહારી બાજપાઈ માફી માગીને જેલમાંથી છૂટેલા, અન્ના હજારે પગથી માથા સુધી ભ્રષ્ટ છે, બાબા રામ દેવ આર્થિક ગોલમાલ કરે છે, એવા અનેક આક્ષેપો નહેરુવીયન કોંગ્રેસે કર્યા છે. તેમાં કેટલાકમાં તો તેને પોતાને જ જવાબદાર ગણી શકાય.

ગઈ સદીના પચાસના દાયકામાં નહેરુના જમાનામાં સંરક્ષણની જીપોની ખરીદીનું એક કૌભન્ડ થયેલું વિપક્ષે નહેરુને તપાસ સમિતિ નીમવાનું કહ્યું હતું. નહેરુએ તે સૂચનને તદ્દન નકારી કાઢેલ અને કહેલ કે તમે ચૂંટણીમાં આ મુદ્દો ઉભો કરી મારી સામે લડી લેજો.

 રાહુલ ગાંધીનો આરોપ શો છે?

કોઈક ઉદ્યોગ ગૃહના જપ્ત કરેલા કાગળીયામાં એક લીસ્ટ હતું જેમાં આટલા આટલા પૈસા આપ્યા એમ લખેલું હતું. નરેન્દ્ર મોદીનું મોદીનું નામ હતું. એમ તો શીલા દિક્ષિતનું પણ નામ હતું.

પપ્પુ ગાંધીને લાગ્યું કે તેણે બહુ મોટા કૌભાન્ડને પકડી પાડ્યું છે. હવે નરેન્દ્ર મોદી અને બીજેપીનું આવી બન્યું. તેને લાગ્યું “અબ તો યહ ઠાકુર ગયો”.

જ્યારે ૧૯૭૭માં ચૂંટણી જાહેર થઈ ત્યારે મોરારજી દેસાઈ પણ જેલમાંથી છુટ્યા. તેમને ઘણા પ્ર્શ્નો પૂછવામાં આવ્યા. તેમને એક સવાલ સંજય ગાંધીના કોઈ નિવેદન ઉપર કરવામાં આવ્યો, ત્યારે તેમણે તેમની આગવી અદામાં હાથ હલાવી કહ્યું કે “તે ઉત્તર આપવાને લાયક નથી.”

વિદ્વાનોએ રાહુલ ગાંધી વિષે પણ આવું જ સમજવું જોઇએ.

કેટલાક વિદ્વાનોનો અને કેટલાક સમાચાર માધ્યમોનો એક ચારિત્રિક  હિસ્સો છે કે કોઈના બચાવ માટે “બલિનો બકરો” શોધી કાઢે છે. જેમકે ચીન સામેની ભારતની હાર માટે વી. કે. મેનન જવાબદાર હતા. નહેરુ નહીં. કટોકટીના કાળા કામો માટે સંજય ગાંધી જવાબદાર હતો. ઇન્દિરા ગાંધી નહીં.

તેવી જ રીતે નહેરુવીયન કોંગ્રેસી શાસનમાં થયેલ કૌભાન્ડો માટે મનમોહન સિંહ નહી પણ સોનિયા ગાંધીની આજ્ઞાથી થયા હતા. મન મોહન સિંહ તો બિચારા મોંઢેથી જ કેવા ગરીબડા લાગે છે.  

પ્રમાણ પત્રોથી કુશળતા કે નૈતિકતા આવતી નથી. કુશળતા માટે  એક તો ભેજું જોઇએ, આર્ષદૃષ્ટિ જોઇએ, મહેનત જોઇએ, બધું કરવા માટેની દેશપ્રેમીય તાલાવેલી જોઇએ. નૈતિકતા માટે પણ પ્રમાણપત્રો કામ આવતા નથી. નૈતિકતા માટે સારા નરસાની સમજણ અને દેશપ્રેમ એટલે શું તેની સમજણ જોઇએ.

કોઈ લીસ્ટમાં નરેન્દ્ર મોદી ને પૈસા આપ્યા એવું આવ્યું એટલે નરેન્દ્ર મોદીએ જવાબ આપવો જ જોઈએ તે જરુરી નથી. વળી આ બાબત ન્યાયાલયમાં ચાલી રહી છે. જો રાહુલ ગાંધી પાસે વિશ્વસનીય માહિતિ હોય તો તે કોર્ટને આપી શકે છે.

લગભગ આવી જ ઘટના અડવાણી સાથે બનેલી તે વખતે ન્યાયાલયે એવું જણાવેલ કે માત્ર આવા લીસ્ટ ઉપરથી સત્યતા સિદ્ધ ન થઈ શકે. તેના પૂરક અને સહાયકારી દસ્તાવેજો જોઇએ. પૈસા આપ્યા તો કેવી રીતે આપ્યા, કેશથી આપ્યા કે ચેકથી આપ્યા, ક્યારે આપ્યા, કેવીરીતે અને કોના થકી આપ્યા. જો નરેન્દ્ર મોદીને જાતે આપ્યા તો કયે દિવસે આપ્યા. દિવસ નક્કી થાય તો તે મુલાકાત વિડિયો ક્લીપમાં જોઇ શકાય. નરેન્દ્ર મોદીને ન આપ્યા હોય તો પક્ષને પણ આપ્યા હોય. તેમાં પણ આવા જ પ્રશ્નો ઉભા થાય. ધારો કે હું મારા કોઈ લીસ્ટમાં નરેન્દ્ર મોદીનું નામ લખી નાખું તો પ્રશ્નો નરેન્દ્ર મોદીને  પૂછવા જોઇએ કે મને?

જો તમે કૃતસંકલ્પ હો અને રાજ કારણમાં હો તો તમારે ટકી રહેવા માટે વ્યુહરચનાઓ કરવી પડે. વ્યુહ રચનાઓમાં ઘણી બધું આવે. નિયમને આધિન રહીને કરવું જોઇએ. ગાંધીજી પણ વ્યુહરચનાઓ કરતા. શાબ્દિક વ્યુહ રચનાઓ પણ કરતા. પણ તેમની વ્યુહ રચનાઓ પોતાના સ્વાર્થ માટે ન હતી. તેમની બધી વ્યુહ રચનાઓ દેશના હિત માટે હતી. નહેરુ પણ વ્યુહ રચના કરતા હતા. પણ સ્વાતંત્ર્ય મેળવ્યા  પછીની તેમની વ્યુહ રચનાઓ પોતાના સ્વાર્થ માટે હતી.

નરેન્દ્ર મોદી પણ વ્યુહ રચનાઓ કરે. પ્રવર્તમાન નિયમોને આધિન રહીને કરે તે બધું ક્ષમ્ય છે. નરેન્દ્ર મોદી ને જો તમે તેની સમગ્રતામાં જુઓ તો તે દેશના હિત માટે કટીબદ્ધ છે. ધારો કે તે કોઈ વિવાદાસ્પદ ઘટનામાં તેની સંડોવણી હોય કે બીજેપી પક્ષની સંડોવણીનો વિવાદ હોય તો પણ આ બધું નહેરુવંશીય શાસનની સરખામણીમાં જ જોવું જોઇએ. સરખામણીમાં અનીતિમત્તાનો જત્થો અને શાસનનો સમય ગાળો બંનેને લક્ષ્યમાં રાખવા જોઇએ.

અમારે પ્રેક્ટીકલમાં પરિણામમાં ચાર ટકાસુધીની ક્ષતિને ક્ષતિ ગણવામાં આવતી ન હતી.

નીતિમત્તા એ બહુ વિશાળ વિષય છે અને સાપેક્ષવાદ ગહન વિષય છે. સામાજીક સાપેક્ષવાદ ભૌતિક સાપેક્ષવાદથી પણ ગહન વિષય છે. કારણ કે આમાં મનુષ્ય પોતે એક ઉપકરણ છે. જો વિદ્વાનો પ્રમાણભાનની પ્રજ્ઞાનો ઉપયોગ ન કરે તો જનતામાં ખોટો સંદેશ જાય.  

શિરીષ મોહનલાલ દવે

ચમત્કૃતિઃ

શૂરઃ અસિ, કૃત વિદ્યઃ અસિ, દર્શનીયઃ અસિ પુત્રક,

યષ્મિનકુલે તુ જાતઃ ત્વં, ગજઃ તત્ર ન હન્યતે

%e0%a4%97%e0%a4%9c%e0%a4%83-%e0%a4%a4%e0%a4%a4%e0%a5%8d%e0%a4%b0-%e0%a4%a8-%e0%a4%b9%e0%a4%a8%e0%a5%8d%e0%a4%af%e0%a4%a4%e0%a5%87

હે નાના પુત્ર (બાબલા પપ્પુ), તું (રાડો પાડીને બોલવામાં) શૂરવીર છે, તકનિકી નો જાણકાર (હોવાનો દેખાવ કરવાવાળો) છે, દેખાવડો છે, પણ હે પુત્ર તું જે કુળમાં (નહેરુવીયનકુળમાં) જન્મ્યો છે ત્યાં હાથી (નરેન્દ્ર મોદી) મરાતો નથી.     

ટેગ્ઝઃ મૂર્ધન્ય, વિદ્વાન, નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી, નહેરુ, ઇન્દિરા, મનમોહન સિંહ, ગરીબડા, સોનિયા ગાંધી, નહેરુવીયન કોંગ્રેસ, આક્ષેપ, ફ્રૉડ, કૌભાન્ડ, નુકશાન, રાજકારણ, ચીન, ૧૯૬૨નું યુદ્ધ, આધિપત્ય, ૯૦૦૦૦ ચોરસ માઈલ, આજની ઘડી અને કાલનો દિ, દુશ્મને દગો કર્યો, દુશ્મન તો દગો કરે જ, સિમલા કરાર,  બલિનો બકરો, મહાત્મા ગાંધી, વ્યુહરચના,

Read Full Post »