ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ અને કોન્ટ્રાક્ટ સીસ્ટમ
તમે કહેશો કે સરકાર પોતાના કામના ટેન્ડરો બહાર પાડે અને જેણે ઓછામાં ઓછો ભાવ ભર્યો હોય તેને કામ આપે તો એમાં ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ કેવી રીતે થાય?
સર્વોચ્ચ ન્યાયાલયનો ચૂકાદો
સર્વોચ્ચ ન્યાયાલયનો એક ચૂકાદો હતો. સરકાર જે કામ પોતે પોતાના માણસો દ્વારા કરતી હોય અને તે કામ તે કોન્ટ્રાક્ટ દ્વારા કરાવે તો તેથી મજુરોના હિતને નુકશાન થાય છે. તેથી તે એવા કામો કોન્ટ્રાક્ટ મારફત ન કરાવી શકે. પણ જો કામ સાતત્ય વાળું ન હોય એટલે કે કામચલાઉ હોય તો તે એવાં કામ કોન્ટ્રાક્ટ મારફત કરાવી શકે.
દા.ત. કે સરકારના એક વિભાગ પાસે કોઈ એક ગામમાં એક મકાન છે અને તેનું મોટું સમારકામ કરાવવાનું છે. સરકાર પાસે કડીયો છે, સુતાર છે, મજુરો છે, સરંજામ તે ખરીદી શકે છે, પણ તે આ કામ કરી શકશે નહીં. કારણ કે સરકાર પોતાના સ્ટાફ પાસે જો કામ કરવે તો તે સ્ટાફ પોતાનું રોજ બરોજનું કામ કરી શકશે નહીં. જો તે નવી નિમણુંકો કરશે તો તે કામ પૂર્ણ થયા પછી આ નવો સ્ટાફ ફાજલ પડશે. પણ જો તે કારીગરો ખાનગી કોન્ટ્રાક્ટરો પાસે હશે તો કોન્ટ્રાક્ટર તેઓને તેના બીજા કામોમાં ગોઠવી શકશે. એટલે આ તર્ક ઉપર સરકાર નવી નિમણુંકો ન કરે અને કોન્ટ્રાક્ટરો પાસે આવા કામ કરાવે. આવું તારણ સામાન્ય રીતે વ્યાજબી લાગે.
છીડાં શોધી શકાય
ધારો કે એક મોટું શહેર છે. એક સરકારી ખાતાને આ શહેરમાં ઘણી બધી ઓફિસો છે એટલે કે ઘણા બધા મકાનો છે. ધારોકે કોઈ એક સમયે તે ખાતા પાસે ઓછી ઓફીસો હતી. આ ઓફિસોમાં સફાઈ માટે મજુરો રાખેલ. એક કડીયો પણ હતો. એક સુતાર પણ હતો. એક ઈલેક્ટ્રીસીયન પણ હતો. તેઓ રોજબરોજની સફાઈ અને રોજબરોજનું સમારકામ કરતા હતા. હવે ધારોકે એક નવી ઓફિસ શરુ થઈ. એક ઓફીસ માટે ફુલટાઈમ લેબર સ્ટાફ પરવડે નહીં. તેથી આ કામ માટે પાર્ટ ટાઈમ સ્ટાફ રાખ્યો. હવે પાર્ટ ટાઈમ સ્ટાફમાં સફાઈવાળા સિવાય કોઈને કંઈ રોજ રોજ બોલાવાય નહીં. એટલે જ્યારે કામ હોય ત્યારે જ બોલાવાય. સફાઈવાળાની કલાકોના કામ લેખે હિસાબ થવો જોઇએ. તેની કામની વિગતો સાથે નોંધ રાખવી પડે. તેવી જ રીતે બીજા પાર્ટટાઈમ કારીગરોની પણ વર્ક ડાયરી રાખવી પડે. વળી આ બધાને એક દિવસના રોજ પ્રમાણે ચૂકવણું થઈ ન શકે અને કલાકના હિસાબે ત્રીરાશી માંડીને પણ ચૂકવણું થઈ ન શકે. એટલે જો અડધા રોજ થી ઓછૂં કામ હોય તો પણ અડધા રોજનું ચુકવણું કરવું જ પડે. અને અડધા રોજથી થોડું વધારે હોય તો આખા રોજનું ચુકવણું કરવું પડે. વળી ધારો કે બીજી એક બે પાર્ટ ટાઈમ કામવાળી ઓફીસ ચાલુ થઈ. તો જો આજ મજુરોને તેમની ફાજલ મજુરીનો લાભ લેવા માટે નવી જગ્યાએ મોકલીએ તો રોજ રોજ તેમને જવા આવવાનું ભાડું આપવું પડે. એટલે કે ટ્રાવેલીંગ આલાઉન્સ અને ડેઈલી આલાઉન્સ આપવું પડે. આ બધું તો સરકાર માઈબાપને મોંઘું પડે. વળી ૨૫૦ દિવસ જો કોઈ મજુરને રાખ્યો હોય તો જ્યારે ક્યારેય ક્યાંય પણ જગ્યા પડે ત્યારે તેનો કાયમી થવાનો હક્ક બને.
રોજમદાર નોકરને કાયમી કરો એટલે ઉપાધીને આમંત્રણ
તમે રોજ ઉપરના મજુરને કાયમી કરો એટલે ઘણી રોજીંદી ક્રિયાઓ કરવી પડે. તેને કાયમી કરો તો તે એકલો તો હોય નહીં. અને આવા બીજા પણ કેસ હોય જે બીજા ગામમાંના પણ હોઈ શકે તો સીનીયોરીટીના સવાલો પણ ઉત્પન્ન થાય. અત્યાર સુધી તો તે ફક્ત મસ્ટર રોલના ચોપાનીયા ઉપર દેખાતો હતો. હવે તે હાજરી પત્રકના રજીસ્ટરમાં દેખાશે. તેનો હાજરી/ગેરહાજરીનો રીપોર્ટ લેખાધિકારીને દર મહિને મોકલવો પડશે. જાત જાતની રજાઓ અને વર્તણુંકની નોંધો, સરકારે નક્કી કરેલી પ્રણાલિગત ફોર્મોમાં નોંધવી પડશે. જો નોકરે કામમાં કે વર્તનમાં ક્ષતિ કરી હોય તો તેની ઉપર નિયમપ્રમાણે કાર્યવહી કરવી પડે. તેમ કરવામાં તેને એક લેખિત જાણ કરવા માટે અને જવાબ માટે યોગ્ય અધિકારી તરફથી એક પત્ર આપવો પડશે. તેનો જવાબ આપવા માટે તેને પૂરતો સમય આપવો પડે. અને તેનો જવાબ મળ્યા પછી તેના ઉપર ગુણવત્તાના આધારે વિવેક બુદ્ધિ વાપરીને નિર્ણય લેવાવો જોઇએ. આમાં તેના ઉપર જે આરોપ મુકવામાં આવ્યા હોય તેની સાબિતીઓ પણ આપવી પડે.
નોકરીઓમાં બઢતીના પણ કેસો ઉભા થાય. સીનીયોરીટીના કેસો ઉભા થાય. તે વિષે નોકર દ્વારા મુદ્દાઓ ઉભા કરવામાં આવે. આ બધાનો અભ્યાસ કરવો પડે. જ્યાં સુધી કેસ ન્યાયાલયમાં ન જાય ત્યાં સુધી અધિકારી સાહેબે પોતે જ પોતાનું મગજ ચલાવવું પડે. જો કેસ ન્યાયાલયમાં જાય તો તો અધિકારી સાહેબને ટાઢા પાણી એ ખસ જાય એવું પણ સાવ નથી હોતું પણ તેમને વકીલ સાહેબને આપવાના પેપર તો તૈયાર કરવા પડે. ખાસ કરીને વર્તણુંકને લગતા કેસોમાં તો અધિકારી સાહેબ જ વાંકમાં આવતા હોય છે.
અધિકારીને મફતમાં મગજ ચલાવવું ગમતું નથી
તમે જાણો છો કે સરકારી અધિકારીઓને લખા પટ્ટી ગમતી નથી. તેમાં પણ નિયમિત પણે પત્રવ્યવહાર તો તેમણે કર્યો જ ન હોય. ટૂંકમાં અધિકારી સાહેબોને તસ્દી લેવી કે મગજ ચલાવવું ગમતું નથી. એટલે અધિકારી સાહેબને પોતાનો સ્ટાફ વધે તે તેમને ગમતું નથી.
તો આનો ઉપાય શું?
નીચલા અધિકારીનો સ્ટાફ વધારવો?
નીચલી પાયરીના અધિકારીનો? જો આવું કરવામાં આવે તો શું થાય? એટલે કે કે વર્તણુંકની બાબતમાં કે કામમાંની બાબતમાં જે અશિસ્ત ના કેસો ઉભા થયા હોય તો, તેની અપીલો બધી આ અધિકારી પાસે આવે. વળી આ એટલું સહેલું નથી. અમુક પ્રકારના કેસો તો તેમણે જ ચલાવવા પડે.
કારણકે ભારતીય બંધારણ દ્વારા સૂચિત સર્વીસરુલ પ્રમાણે જે અધિકારો રાષ્ટ્રપતિએ જે કક્ષાના અધિકારીને અધિકૃત કર્યો હોય તે અધિકારો તે અધિકારી પોતાની નીચલી પાયરીના અધિકારીને સોંપી ન શકે. (ડેલીગેટેડ પાવર કેન નોટ બી ડેલીગેટેડ ફરધર).
વર્તણુંક અને સીનીરીટીના (અગ્રતાક્રમના)ના કિસ્સાઓ નીચલા ક્રમના ક્લાસ-૨ અને ક્લાસ-૩ના સૌથી વધુ હોય છે. ક્લાસ-૪ના પણ થોડા હોય છે.
મગજમારીને ઓછી કરવા માટે આ કોન્ટ્રાક્ટ સીસ્ટમ દાખલ કરવામાં આવી છે?
જોકે આ કારણ જ એક માત્ર કારણ હોતું નથી. કોન્ટ્રાક્ટ સીસ્ટમ લાગુ પડવાથી અનેકને માટે કમાણી નો એક વધુ સ્રોત બને છે.
ધારો કે કોઈપણ એક કામ છે. જેના તમારી પાસે માણસો છે પણ તમારે તેમની પાસે કરાવવું નથી.
અધિકારી સાહેબ ટેન્ડર કોન્ટ્રાક્ટ બનાવે છે
જોકે જે તે જાણીતા કામના ટેન્ડર કોન્ટ્રાક્ટની ફોર્મેટ તૈયાર હોય છે. વધારાની શરતો માટે અધિકારી સાહેબોએ મગજ ચલાવવું પડે છે, જે બનતા સુધી તેઓ ઓછામાં ઓછું ચલાવે છે.
ટેન્ડર ભરનારની લાયકાત અને ગુણવતાના ધોરણ નક્કી કરાય છે. આમાં અધિકારી સાહેબ થોડી ઘણી ઘાલમેલ કરી શકે, કારણ કે લાયકાતનું ધોરણ એવું રખાય કે જેમાં તમારા વહાલા આવી શકે અને દવલા ન આવી શકે.
વર્તમાન પત્રોમાં નોટીસ અપાય છે.
ટેન્ડર ફી લઈ ટેન્ડર ફોર્મ વહેંચાય છે,
અર્નેસ્ટ મની ભરાવવામાં આવે છે,
અમુક તારીખ સુધીમાં વૈકલ્પિક સૂચનો મગાય છે,
સૂચનો ગ્રાહ્ય લાગે તો તેને સામેલ કરાય છે. સામાન્ય રીતે જ્યારે આમાં અંગત લાભ મેળવવાના હોય, એટલે કે અણગમતા કોન્ટ્રાક્ટરને હેરાન કરવાનો હોય તો, આવા સૂચિત ફેરફારને અવગણવામાં આવે છે. એટલે કે કોઈ એક કોન્ટ્રાક્ટર દ્વારા જે ફેરફાર સૂચિત થયા હોય તેને અવગણવામાં આવે છે. આંખ આડાકાન કરવામાં અવે છે. આમાં અધિકારી સાહેબને કોન્ટ્રાક્ટરને હેરાન કરી કમાણીનો કરવાનો ઈરાદો હોય છે.
સામાન્ય રીતે તો આવા સૂચનોનો અભ્યાસ કરવો જોઇએ ચર્ચા કરવી જોઇએ અને તેની ઉપર નિર્ણય કરી તે નિર્ણય બધાને જણાવવો જોઇએ,
કેટલીક પાર્ટીઓ એક કરતાં વધુ પેઢીઓ પોતાના સગાઓનાં નામે ચલાવતી હોય છે. તેઓ અનેક ટેન્ડરો ભરે છે.
ટેન્ડરોને ખોલો,
ભાવોનું મૂલ્યાંકન થાય છે, આ મુલ્યાંકનમાં રમતો રમી શકાય છે.
પાર્ટીઓના ભાવો પ્રમાણે અનુક્રમમાં ગોઠવાય છે. તેમની પાસેથી સીક્યોરીટી ડીપોઝીટ લેવાય છે.
જો એક જ કામ હોય તો સામાન્યરીતે પ્રથમક્રમની માન્ય પાર્ટીને કામ સોંપવામાં આવે છે.
જો રેટરનીંગ (નાના નાના કામો કે જે હમેશા ચાલુ જ રહેતા હોય છે તેનો આખા વર્ષ માટેનો કે સીવીલ, ઈલેક્ટ્રીક સમારકામનો એક વર્ષ માટેનો હોઈ શકે છે. નાના નાના કામો પણ મોટા સાહેબના અધિકૃત વિસ્તારમાં ફેલાયેલા હોય, તો આવા કામોને ૫૦.૩૦.૨૦ કે એવા જ પ્રમાણમાં ત્રણે પાર્ટીઓને એરિયા પ્રમાણે વહેંચી દેવાય અથવા તો ક્ષેત્રીય અધિકારીઓને કહી દેવાય કે તમે આ પ્રમાણે તમારા કામ વહેંચજો. ક્ષેત્રીય ધિકારીઓ પોતાની મનપસંદરીતે વર્તે. કોન્ટ્રાક્ટર કશો ઝગડો ન કરે. કારણ કે તેમને કામ કરવું હોય છે.
વહીવટ ક્યાં ક્યાં થાય
ટેન્ડર મંજુરીનો લેટર આપવામાં ટેન્ડર અધિકારી વહીવટ કરે.
ટેન્ડર ઉપર પોતાને કામ વહેંચાય તે માટે કોન્ટ્રાક્ટર ક્ષેત્રીય અધિકારી સાથે વહીવટ કરે,
કામની ચકાસણી માટેની બાબતમાં કોન્ટ્રાક્ટરે અધિકારીઓ સાઈટ ઉપર આવે ત્યારે તેમની સાથે વહીવટ કરે,
જો જ્યારે ક્યારેય અગર કોંટ્રાક્ટર સાથે કોઈ અધિકારીને વાંધો પડ્યો તો બીલ વીજીલન્સને જાય. એટલે વીજીલન્સનો પણ લાગો ઉમેરાય. એક ટેલીકોમ જીલ્લામાં તો એવી પ્રેક્ટીસ હતી કે બધા જ બીલ વીજીલન્સને મોકલવામાં આવે. એટલે વીજીલન્સનો લાગો પૂરો થયા પછી બીલ લેખા અધિકારી પાસે જાય.
કામના બીલને ધક્કો મારવામાં અધિકારીઓ અને તેમના સ્ટાફ સાથે વહીવટ કરવો પડે,
કામના ફંડની ફાળવણી માટે કોન્ટ્રાક્ટરને જે ફાળવણી મહા લેખા અધિકારી હોય તેથી તેની સાથે વહીવટ કરવો પડે,
ફંડ ફાળવાયા પછી એકાઉન્ટ ઓફીસરો વળી તેને ઈન્ટર્નલ ઓડીટમાં મોકલે, ક્યારેક ત્યાં પણ લાગો લાગુ પડે. લેખાધિકારી બીલ ઉપર ચૂકવણીનો સીક્કો મારે તે માટે કોન્ટ્રાક્ટરને તેમની સાથે વહીવટ કરવો પડે,
ચેક લેવા માટે કોન્ટ્રાક્ટરને જે તે લેખા અધિકારી નકદ(કેશ) અને તેનો કનિષ્ઠ લેખા અધિકારી નકદ સાથે પણ વહીવટ કરવો પડે,
કામ પુરું થયા પછી અને કોન્ટ્રાક્ટનો સમય પુરો થયા પછી સીક્યોરીટી ડીપોઝીટ છોડાવવા માટે વળી પાછો વહીવટ કરવો પડે.
હવે તમે કહેશો કે જો કોન્ટ્રાક્ટરને આટલા બધા સાથે વહીવટ કરવો પડતો હોય તો કોન્ટ્રાક્ટરને નફો કેવીરીતે રહે?
નફો રહે. કારણ કે કોન્ટ્રાક્ટરના કામમાં ગુણવત્તા જ ન જળવાઈ હોય. કામ સમયસર પુરું ન થાય અને કદાચ કાયમ માટે અધુરું રહે તો પણ તેને કશું ન થાય.
એક દાખલો જુઓ?
એક જગ્યાએ એક પ્લેટફોર્મ જે ચાર ફુટ ઉંચું, અને દશ બાય દશ ફુટ લાંબુ પહોળું કરવાનું હતું. સીવીલ વીંગને એસ્ટીમેટ બનાવવા અને કામ કરવા કહેવામાં આવ્યું. સીવીલ વીંગે રૂ. ૨૦,૦૦૦/- જેવો એસ્ટીમેટ બનાવ્યો. સ્પેસીફીકેશન બહુ ઉંચા બનાવ્યા. આ એવો સમય હતો કે જ્યારે રૂ.૨૦,૦૦૦/- માં એક નાનું મકાન બની શકે. (ધારોકે આ કામ સીવીલ વીંગને કરવાનું કહેવામાં આવ્યું હોત તો શું થાત?
ટેન્ડરમાં ભાવ કેવી રીતે માગવામાં આવે છે? ટેન્ડરમાં કામની કિમતના કેટલા ટકા વધારે કે કેટલા ટકા ઓછાએ કામ કરી દેવામાં આવશે એ જ લખવાનું હોય છે. ધારો કે કોઈ કોન્ટ્રાક્ટરે ૨૫ ટકા ઓછા ભાવે કામ કરી દેવાનું લખ્યું અને તેનું ટેન્ડર મંજુર થયું. તો શું થશે?
વાસ્તવમાં સ્પેસીફીકેશન (ગુણવત્તાનું ધોરણ) એટલું મજબુત કરવાની જરુર ન હતી. પણ મજબુત કર્યું.
કામ જ્યારે થાત ત્યારે ગુણવતાના ધોરણ જાણી જોઇને ન જળવાત. કામ કોન્ટ્રાક્ટરના ૮ ટકાના નફા સાથે આ આશરે ૪૦૦૦ થી ૫૦૦૦ પતી જાત. અને ઉપરના પૈસા સાહેબો અને કોન્ટ્રાક્ટર વહેંચી લેત.
તમે જુઓ, જ્યારે પણ નવા રસ્તાના ડાઈવર્ઝન રોડ બને છે તેમાં અડધા ઉપર પૈસા ખવાઈ જતા હોય તો આશ્ચર્ય ન જ પામશો.
મજુર કાયદો? એને કોણ ગણે છે?
કોન્ટ્રાક્ટર મજુર કાયદાનું કદી પાલન ન કરે.
કોન્ટ્રાક્ટર પોતાનું કામ બીજાને આપી દે,
અગર લેબર કમીશ્નરનો કોઈ ઈંસ્પેક્ટર કોન્ટ્રાક્ટરના કામના સાઈટ ઉપર આવે તો તેને કોઈ જવાબદાર વ્યક્તિ ન મળે. અને કોન્ટ્રાક્ટરના નામની પણ તેને ખબર ન પડે. પણ તેણે ખફા થવું ન પડે. કારણ કે મુકાદમને સૂચના આપી દે કે કામનો માલિક તેને ઓફિસમાં મળી આવે. માલિક મળી આવે એટલે કેસ જો રેકોર્ડ કર્યો હોય તો જરુરી રીમાર્કો લાગી જાય અને વાત પુરી થાય.
કોન્ટ્રાક્ટ પ્રણાલીમાં બધાને ફાયદો ને ફાયદો જ છે. સિવાય કે પ્રજાના પૈસા ચવાઈ જાય.
પણ આનો શું ઉપાય નથી?
ઉપાય તો છે જ
બીગ ઈઝ બ્યુટીફુલ એટલે મજુર કાયદાનું પાલન સહેલુ
મજુર કાયદાનું પાલન ત્યારે વધુ સરળ બને જ્યારે કામ ઘણું મોટું હોય, કોન્ટ્રાક્ટર પણ ઘણો મોટો હોય અને મોટો કોન્ટ્રાક્ટર તેના કાયમી સ્ટાફ દ્વારા જ કામ કરે.
મોટો કોન્ટ્રાક્ટર એક રજીસ્ટર્ડ થયેલી કંપની હોવી જોઇએ. કંપનીએ તેના નોકરોને મજુરકાયદા પ્રમાણે સગવડ આપવી જ જોઇએ.
જાહેર જનતા અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ આમાં ચકાસણી કરી શકે તે માટે કોઈપણ કામ થતું હોય ત્યાં, વર્ક ઓર્ડર નંબર, કામ આપનાર સંસ્થાનું નામ, તેની વેબસાઈટ, ટેન્ડરની યુઆરએલ, કામ ચાલુ થાયાની તારીખ અને કામ પુરું કરવાની મુદત લખેલું બોર્ડ કામની દરેક જગ્યાના છેડે અને અથવા ગેટ પાસે લગાવવાં જોઇએ. આમ કરવાથી જનતાના હિતમાં વિચારતી સંસ્થાઓ કે વ્યક્તિઓ વેબ સાઈટ ઉપર જઈ કામ વિષેની માહિતિ અને ગુણવત્તા ના ધોરણો વિષે ચકાસણી કરી શકે.
વિદેશોમાં કેટલીક જગ્યાએ કામ ના બીલ સાથે કોન્ટ્રાક્ટરે પોતાના સંપૂર્ણ કામની સૂચિત ફોર્મેટમાં સીડી બનાવીને આપવી પડે છે. આ પ્રણાલી ભારતમાં પણ રાખી શકાય.
કોન્ટ્રાક્ટ સીસ્ટમમાં સરકાર પ્રારંભમાં પૈસા બચાવે છે. કારણ કે કામ કે તેનો એક હિસ્સો પુરો ન થાય ત્યાં સુધી સરકાર પાસે કામના પૈસા બચે છે. પણ જ્યારે ચુકવણું થાય ત્યારે વ્યાજ અને કોન્ટ્રાક્ટરના નફા સાથે (લાગાઓ સહિત), વપરાય છે.
કાર્ટુનીસ્ટનો આભાર
પબ્લીક, પ્રાઈવેટ પાર્ટનરશીપ
નરેન્દ્ર મોદીએ પબ્લીક, પ્રાઈવેટ પાર્ટનરશીપ ની વાત કરી છે. આ એક સારી વાત છે. કારણ કે તેમાં સરકારી પૈસા બચે છે અને કોન્ટ્રાક્ટર ટોલ દ્વારા પૈસા દશ વર્ષે વસુલ કરે છે. પણ આ બાબતમાં પણ ઘણી બાબતો જેવી કે કામની ગુણવતા, નિભાવ (મેન્ટેનન્સ)ની ગુણવત્તા, શ્રમ નું મૂલ્ય, કંપનીની વિશ્વસનીયતા અને સરકારની પોતાની સક્રીયતા ઉપર પણ ઘણો આધાર રાખે છે. દા.ત. “વિશાલા” પાસે બંધાયેલ સાબરમતી નદીના બ્રીજ ઉપરનો ટોલ ટેક્ષ બે પેઢી (૩૦ વર્ષ) સુધી ચાલ્યો છે. આ એક સંશોધનનો વિષય છે.
જો સરકારનો જે તે ખાતાનો ઉચ્ચ અધિકારી કે મંત્રી કૃતનિશ્ચયી હોય તો પબ્લીક પ્રાઈવેટ પાર્ટનરશીપમાં ઘણાં કામો સરકાર પોતાના પૈસા જોડ્યાવગર કરી શકે. જો કે પ્રોજેક્ટના પ્લાનીંગ અને પ્રોજેક્ટના અમલમાં સરકારે સાચા અર્થમાં એક પાર્ટનર તરીકે અને પ્રજાના વાસ્તવિક પ્રતિનિધિ તરીકે ફરજ બજાવવી પડે.
શિરીષ મોહનલાલ દવે
ટેગ્ઝઃ કોન્ટ્રાક્ટર, કામ, ગુણવત્તા, માહિતિ, અધિકાર, અધિકારી, ખાતું, લાગો, લેખા અધિકારી, ટેન્ડર, મૂલ્યાંકન, અર્નેસ્ટ મની, સીક્યોરીટી ડીપોઝીટ, પ્રોજેક્ટ, પ્રાઈવેટ, પબ્લીક, પાર્ટનર, મજુર, કાયદો
શ્રી શિરીષભાઈ,
તને કૉન્ટ્રૅક્ટ સિસ્ટમનો મુદ્દો સારો ઉપાડ્યો છે. મોટાં બાંધકામો કદાચ સરકાર ન કરી શકે અને કૉન્ટ્રૅક્ટ પર કરાવે એ સમજી શકાય છે. પરંતુ સાતત્યવાળાં કામોમાં પણ હવે કૉન્ટ્રૅક્ટ પ્રથા શરૂ થઈ છે. હકીકતમાં ૧૯૯૨માં નરસિંહા રાવ વડા પ્રધાન હતા ત્યારથી ઉદારીકરણની નીતિ અમલમાં આવી છે અને એ વખતે ડૉ. મનમોહન સિંહને એમણે નાણાં મંત્રી તરીકે લીધા. એમણે બન્નેએ વિશ્વ બૅન્કનો આર્થિક કાર્યક્રમ લાગુ કર્યો. હવે સાતત્યવાળાં કામોમાં પણ સરકાર પોતે કોઈને નોકરી આપતી નથી અને માત્ર કૉન્ટ્રૅક્ટ પર રાખે છે. આમ, દેશમાં માત્ર પ્રાઇવેટ કંપનીઓનું જોર નથી વધ્યું, સ્વયં સરકારનું જ ખાનગીકરણ થવા માંડ્યું છે.
આ દેશમાં -ગમે તે કહો – સરકાર સૌથી મોટી રોજગારદાતા છે પણ હવે એણે પોતાની જવાબદારી છોડી દીધી છે. ખાનગી કંપનીઓ તો પાંચસો રૂપિયા કમાવાની આશા હશે તો બસ્સો રૂપિયાનો કર્મચારી રાખશે. હવે સરકાર પણ એ જ કરવા લાગી છે. આના કારણે આર્થિક રીતે નબળા લોકોના હાથમાં જીવન નિર્વાહ જેટલું પણ નથી આવતુ દેશના અર્થતમ્ત્રને શો લાભ થયો? કારો વધારે વેચાઈ, એ જ કે નહીં? આમ લોન સસ્તી બની તેનો ખરો લાભ પૈસાવાળા લોકોને વધારે મલ્યો, આપણે તો માત્ર જીવનની મહેચ્છા પૂરી કરી શક્યા એ જ સંતોષ છે ને? પણ આપણને સંતો/ષ પણ કોઈ લેવા દેતું નથી. કહેશેઃ “હવે કાર કઈં મોટી વાત નથી. બધા પાસે છે!” એટલે આપણે ફરી પાછા ‘બધા’માં જ આવી ગયા? લોન સસ્તી કરી તો સામે બચત ખાતામાં મળ્તું વ્યાજ પણ ઘટાડી નાખ્યું. એટલે ઉદ્યોગપતિઓ ૧૬ ટકા વ્યાજ આપતા હત, તેને બદલે હવે આઠ ટકા આપે છે. આનું વળતર બૅન્કો સામાન્ય માનસને આપવાના થતા વ્યાજમાં કાપ મૂકીને વાળી લે છે.
તમે પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપનાં વખાણ કરો છો, પણ એનો અર્થ એ જ છે કે કરદતાના પૈસામામ્થી ઊભી થયેલી અસ્ક્યામતનો ઉપયોગ કરવાની અને તે સાથે નફો કરવાની છૂટ મળેછે. આ નીતિના પ્રનેતા નરેન્દ્ર મોદી નથી અને ગુજરાત પહેલું રાજ્ય પણ નથી. એ નરસિંહા રાવે શરૂ કરેલી નીતિ જ છે. એમના પછી વાજપેયી સરકારે એ જ નીતિઓ ચાલુ રાખી. ફરી યુપીએ સરકાર આવી, એ તો એમાં ફેરફાર કરવાની જ નહોતી!
આમ બધા પક્ષો એક જ નીતિ પ્રમાને ચાલે છે. નરેન્દ્ર મોદે હોય કે માર્ક્સવાદી બુદ્ધદેવ ભટ્ટાચર્ય. બન્ને પીપીપીમાં માને છે નંદીગ્રામ અને સિંગૂર એનાં ઉદાહરણો છે. અંતે એ સાફ થઈ ગયા. શા માટે? સીપીઆઈ-એમની પણ રાજ્યમાં ખાનગી ક્ષેત્રને પ્રોત્સાહન આપવાની નીત હતી અને કેન્દ્રમાં વિરોધની નીતિ હતી. અહીં દિલ્હીમાં કોમ્ગ્રેસ સરકારે પાણીના વિતરણમાં પીપીપી પ્રોજેક્ટો શરૂ કર્યા છે. ભાજપ એનો વિરોધ કરે છે, પણ મધ્ય પ્રદેશની ભાજપ સરકાર તો પીપીપી્માં દેશમાં સૌથી મોખરે છે.
આ બધું કોના માટે છે? સામાન્ય લોકોએ પક્ષોની મૂળભૂત નીતિઓ તપાસીને જાતે જ જાગૃત થવું જોઇએ. તો જ કૉન્ટ્રૅક્ટ સિસ્ટમ અને ધાનિક વર્ગના લાભની નીતિઓનો અંત આવશે.
જોઉં છું કે બહુ લાંબું લખી નાખ્યું છે, તો માફ કરશો.
LikeLike
દિપકભાઈ, એક મોટી વિડંબણા એ છે કે અમેરિકન અર્થશાસ્ત્રે અથવા તો મુડીવાદી અર્થશાસ્ત્રે, સમાજને કેન્દ્રમાં રાખવાને બદલે વ્યક્તિગત સ્વાતંત્ર્યને કેન્દ્રમાં રાખી દીધું છે. કોઈ આ વિચાર ધારામાંથી નિકળવા માગતું નથી. તે વિષે વિચારવા પણ તૈયાર નથી.
સમાજવાદ/સામ્યવાદની જે કલ્પના હતી તે તેના સત્તાના કેન્દ્રીકરણ અને અપારદર્શિતાને કારણે નિસ્ફળ જવાની હતી અને તેથી તે ગઈ પણ ખરી.
મને લાગે છે કે સમય તો ક્યારનોય પાકી ગયો છે કે સમાજવાદના રાજકીય ઢાંચા ઉપર પુનઃવિચારણા કરવામાં આવે. ગાંધીજીના સર્વોદયવાદમાં એપ્રોપ્રીયેટ ટેક્નોલોજીનો સમાવેશ કરી સ્વાવલંબી વર્તુળો ઉભા કરી, વ્યક્તિને બદલે સમાજને એવી રીતે કેન્દ્રમાં રાખવામાં આવે કે વ્યક્તિની ઓળખ પણ બની રહે અને બીજાનું શોષણ ન થાય.
જોકે આને લગતા નિયમો છે પણ અર્થઘટનો એ રીતે થતા નથી. જેઓ અત્યારે ફાયદામાં છે અને અથવા આવા ફાયદાની માનસિકતાથી મૂક્ત નથી, તેઓ શ્રમનું મૂલ્ય નક્કી કરવામાં માનતા નથી.
રશિયાની વાત કરીએ તો અપારદર્શિતાને કારણે સરકારી નોકરો કાળા નાણાથી માલેતુજાર થઈ ગયા હતા. ચીનમાં લાંચની સીમા રાખેલી છે.
હું સરકારી નોકર હતો એટલે જાણું છું કે સરકારી અધિકારીઓની માનસિકતા કેવી છે. સૈધાંતિક રીતે તો હું મુડીવાદમાં માનતો જ નથી. અને રશિયન કે ચીન જાતના સામ્યવાદમાં તો જરા પણ માનતો નથી. અત્યારે સ્થાપિત હિતો “માલ” ની હેરફેરના ગ્લોબલાઈઝેશન માટે શોર બકોર કરે છે. પણ મને લાગે છે કે માણસનું ગ્લોબલાઈઝેશન કરવું વધુ જરુરી છે.
દિપકભાઈ તમે લાંબી વાત કરી નથી. અમુક સમસ્યાઓ જ એવી છે કે ટૂંકમાં કહી જ ન શકાય. તેના ઉકેલ માટે તો પુસ્તક જ લખવું પડે.
LikeLike
શિરીષભાઈ,
સાચી વાત છે મૂડીવાદે આપણને વ્યક્તિકેન્દ્રી બનાવી દીધા છે. સાવ સાદી વાત. આપણી સંસ્કૃતિમાં માતાપિતાનું આગવું સ્થાન છે, પણ સરકારી હિસાબે તમે, તમારી પત્ની અને બાળકો એ જ તમારું કુટુંબ! અર્થતંત્ર સંસ્કૃતિને પણ પ્રભાવિત કરે છે.
ઇંગ્લૅન્ડના માર્ક્સવાદી ઇતિહાસકાર એરિક હૉબ્સબૉમે લખ્યું છે કે દુનિયાને માર્ક્સવાદ જોવા જ ક્યાં મળ્યો છે? અને માર્ક્સે પોતે પણ વ્યહવારમાં માર્ક્સવાદ ક્યાં જોયો? જે જોવા મળ્યું તે લેનિનવાદ હતો. સ્થાનિકની સ્થિતિ પ્રમાણે માર્ક્સવાદી સિદ્ધાંતો લાગુ કરવા માટે લેનિને એનું જે અર્થઘટન કર્યું તેને જ આપણે માર્ક્સવાદ માનીએ છીએ.લેનિન તો ૧૯૨૪માં જ મૃત્યુ પામ્યા અને તે પછી આવ્યો સ્તાલિનવાદ.એમાં તો આર્થિક અને લશ્કરી સત્તાનું સૈદ્ધાંતિક સત્તામાં કેન્દ્રીકરણ થયું અને માર્ક્સવાદ એટલે શું તે કહેવાની સત્તા સ્તાલિનના હાથમાં આવી.
મારું આકલન થોડું જુદુ છે.મોટા પાયે કેન્દ્રીકૃત ઔદ્યોગિક ઉત્પાદન સોવિયેત અર્થતંત્રની ખાસિયત રહી. બધાં આર્થિક ક્ષેત્રો પર સરકારનું નિયંત્રણ હોવાથી ભાવ નિર્ધારણ તો સહેલું થઈ ગયું એટલે અમુક વસ્તુના ભાવો બહુ ઊંચા રાખો, એમાંથી વધારે આવક થાય તે બીજે વાળો. આ કારણે દૂધ-દહીંના ભાવો હંમેશાં નીચા રહ્યા. પરંતુ અંતે તો એ સત્યમવાળા રાજુ જેવી વાત થઈ. પોતાની જ કંપનીઓનાં નાણાંમાં હેરફેર કરવી. અંતે ક્યાંક ગાડી અટકે. ઉત્પાદનની રીત તો મૂડીવાદમાં હતી તે જ રહી! આથી રશિયન અર્થતંત્રને પણ કોઈ પણં મોટી મલ્ટીનૅશનલ કંપની માની શકાય. આમ એનું મૂલ્યાંકન કરવા માટે મૂડીવાદી સિદ્ધાંતો જ પૂરતા હતા! મૂડીવાદી અર્થતંત્રનું જે કઈ સારું કે ખરાબ હતુ તે બધું જ રશિયન અર્થતંત્રમાં પણ ટકી રહ્યું. કારણ કે બન્નેમાં ફેર હતો તે ઉત્પાદનનાં સાધનોની માલિકી પૂરતો જ હતો! ખરેખર સામ્યવાદે નવી ઉત્પાદન પદ્ધતિ ન આપી, એટલે ઉત્પાદનનાં સાધનોની માલિકી ખાનગીને બદલે સરકારના હાથમાં આવી, પણ જે પહેલાં પણ માલિક નહોતો તે તો જ્યાં હતો ત્યાં જ રહ્યો.
આપણા દેશમાં નહેરુએ જે કર્યું તે રાજ્ય-્સમર્થિત મૂડીવાદ જ હતો. સ્ટીલ સરકારી કારખાનામાં બને, પણ એમાંથી કાર, વાહનો ઓજારો, વાસણો વગેરે ખાનગી ક્ષેત્રમાં બને. સરકારે અઢળક ખર્ચે ખાનગી કંપનીઓને કાચો માલ પૂરો પાડવાની જવાબદારી લઈ લીધી. આમાં સંપત્તિનું સમાન અથવા ન્યાયપૂર્ણ પુનઃ વિતરણ કરવાની તક પણ ક્યાં હતી? ભૂલ એ જ કે મોટા પાયે ઉત્પાદનની મૂડીવાદી ફિલોસોફીનો સ્વીકાર.
.મૂડીવાદ અઢળક ઉત્પાદન કરીને પોતાના માટે જ એક સંકટ પેદા કરી લે છે. એમાંથી બહાર આવવા માટે એને એક જ રસ્તો સૂઝે છે. મજૂરને હટાવો, નફો વધારો. પણ હંમેશાં લોકોને ખરીદશક્તિથી વંચિત કરતા રહો તો બજારમાં જાય જ કોણ? એક દમડીમાં ઊંટ મળતો હોય, પણ દમડી ખિસ્સામાં હોવી તો જોઇએ! આમ મંદી શરૂ થાય.
એટલે અર્થતંત્રના મૉડેલ તરીકે પીરામિડ જેવું મૉડેલ નિષ્ફળ રહ્યું છે. જરૂર છે નવા મૉડેલની, એ નદીનાં મોજાં જેવું હોવું જોઈએ. આખું મોજું કેટલાયે કિલોમીટરમાં એકસરખું ઉપર ચડેલું હોય છે.
ઉત્પાદનની નવી પદ્ધતિ એટલે વિકેન્દ્રીકરણ. આ માર્ગે દુનિયાએ જવું જ પડશે. ગાંધી એમ સહેલાઇથી મરે તેમ નથી. એ ઇતિહાસના દરેક તબક્કે ડોકિયું કર્યા જ કરશે!
LikeLike
દિપકભાઈ, પીરામીડ ટાઈપનું સ્ટ્ર્ક્ચર વહીવટમાં છે અને પરકોલેશનની થીયેરી લાભની વહેંચણીમાં છે. જમીનનો અસરકારક વિવેકશીલ રીતે ઉપયોગ, કુદરતીસ્રોતોમાં થી શક્તિનું ઉત્પાદન અને માનવ શક્તિ, આ ત્રણે નો સમન્વય કેવીરીતે કરાય છે તે જોવાનું છે. જોઈએ શું થાય છે.
LikeLike
આ દિશામાં કઈં નક્કર કરતા હો તો મને જાણ કરશો.
LikeLike